કોરોના મહામારીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવતા બે મહિના માટે વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. આ અનાજ ગરીબો માટે મે અને જૂન 2021 માં આપવામાં આવશે. કેન્દ્ર સરકારની આ પહેલથી 80 કરોડ લોકોને ફાયદો થવાની સંભાવના છે. જણાવી દઈએ કે ગયા વર્ષે પણ લોકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લોકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશ જ્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગરીબોને પૂરતું અનાજ મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના ફરી લાગુ કરવાની જાહેરાત કરી છે. જે બે મહિના માટે લાગુ રહેશે. કેન્દ્ર સરકાર આ યોજના પર 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.
આજે શુક્રવારે પીએમ મોદીએ તમામ રાજ્યોને કોરોના સામે લડવા પૂરતો સહયોગ આપવાની પણ વાત કરી હતી. દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો સાથે ચર્ચા કર્યા પછી કોરોના મહામારીની વર્તમાન સમીક્ષા કરતાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેરમાં સંયુક્ત પ્રયાસો અને સંયુક્ત વ્યૂહરચનાથી ભારતને કોરોના સંક્રમણ પણ નિયંત્રણમાં સફળતા મળી હતી. તે જ રીતે બીજી લહેરમાં પણ સામનો કરી શકા છે.