ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં આઠ મુસાફરોના મોત થઇ ગયા હતા, જ્યારે 12થી વધુ ઘાયલ થયા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી દૂર કરી ટ્રાફિક હઠાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, બારાબંકીના હૈદરગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કિમી 24 પર ઉભેલી બસ સાથે બીજી બસ અથડાઈ હતી. વાસ્તવમાં, એક ડબલ ડેકર બસ લગભગ 50 મુસાફરો સાથે બિહારના દરભંગાના લોખા શહેરથી દિલ્હી જઈ રહી હતી, સોમવારે વહેલી સવારે આ બસ પૂર્વાંચલ એક્સપ્રેસવેના 24 કિમી પર ઉભી હતી તે દરમિયાન બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી બસે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને બસના મુસાફરોને ઈજા થઈ હતી. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સીએચસી હૈદરગઢ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે એક મહિલા અને એક કિશોર સહિત આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા.