યુપીમાં તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પોલીસને સૂચના આપતા પોલીસે તોફાનીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી તેઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું અભિયાન હાથ ધરતા ઓવેસી સહિતના નેતાઓ એ વિરોધ કર્યો હતો તેમછતાં અભિયાન ચાલુ રહેતા હવે જમીયત ઉલેમા-એ-હિંદના લીગલ સેલના સેક્રેટરી ગુલઝાર અહેમદ આઝમીએ
યુપીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કોર્ટ પાસે માંગ કરી છે કે તેણે યુપી સરકારને આ કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપવો જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે 3 જૂને કાનપુરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પ્રોફેટ વિશે અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તે લઈને હિંદુ સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું હતું. જે બાદ બંને સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. પરંતુ તે પછી વહીવટીતંત્રે એકતરફી કાર્યવાહી કરી હતી. એક વર્ગના લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
જમિયતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી પહેલા મુખ્યમંત્રી, કાનપુરના એડીજી અને પોલીસ કમિશનરે આ અંગે નિવેદનો આપ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે એક બાજુ જાણીજોઈને નિશાન બનાવવામાં આવી છે. આ કાર્યવાહી ઉત્તર પ્રદેશ અધિનિયમ, 1958ની કલમ 10 અને ઉત્તર પ્રદેશ શહેરી આયોજન અને વિકાસ અધિનિયમ, 1973ની કલમ 27નું ઉલ્લંઘન છે. આ કાયદાઓમાં એવી જોગવાઈઓ છે જેમ કે કોઈપણ બાંધકામના માલિકને કાર્યવાહી કરતા પહેલા 15 દિવસની નોટિસ આપવી અને મિલકતના માલિકને કાર્યવાહી રોકવા માટે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવો. પરંતુ યુપીમાં તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
આમ,યુપીમાં પથરમારો કરનારા તોફાનીઓના મકાનો તોડવા ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી રોકવા રજૂઆત થઈ છે.
