‘યે રાહુલ ગાંધી હૈ ઝુકેગા નહીં’ !! હાલ આ સૂત્રોચ્ચાર કોંગી કાર્યકરો કરી રહયા છે જેઓની અટકાયત કરી લેવામાં આવી છે,EDના સવાલો પહેલા દિલ્હીમાં અનેક રસ્તાઓ બંધ કરવાની પોલીસને ફરજ પડી છે.
નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીના સમર્થકો દેશભરમાં પ્રદર્શન કરીને તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે, પોલીસે દિલ્હીમાં પ્રદર્શનની પરવાનગી આપી નથી પણ અનેક રસ્તા બંધ કરી દેવાયા છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે ગોલ મેથી જંક્શન, તુઘલક રોડ જંક્શન, ક્લેરિજ જંક્શન, ક્યુ-પોઈન્ટ જંક્શન, સુનહરી મસ્જિદ જંક્શન, મૌલાના આઝાદ રોડ જંક્શન અને માન સિંહ રોડ જંક્શન પર સવારે 7 થી બપોરના 12 વાગ્યા વચ્ચે અવર જવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
રાહુલના સમર્થનમાં દેખાવો જોતા પોલીસ સતર્ક બની છે અને દિલ્હીમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા
દિલ્હી ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરાયેલી વિશેષ ટ્રાફિક વ્યવસ્થાને કારણે નવી દિલ્હીમાં ગોલ ડાક ખાના જંક્શન, પટેલ ચોક, વિન્ડસર પ્લેસ, તીન મૂર્તિ ચોક, પૃથ્વીરાજ રોડથી આગળ બસોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ કેસમાં આજે ED સમક્ષ તેમની હાજરી પહેલા પોસ્ટર લગાવ્યા હતા. આ દરમિયાન ‘રાહુલ ઝુકેગા નહીં, સત્ય ઝુકેગા નહીં’ જેવા નારા સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ બીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી, સંઘર્ષ કરો, અમે તમારી સાથે છીએ.
નેશનલ હેરાલ્ડ મામલે આજે ED સમક્ષ હાજર થનારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા બદલ દિલ્હી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.