રાજ્યો કોરોનાની રસીની અછતની ફરિયાદો કરી રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકાર હવે અમેરિકાની ફાઇઝર સહિતની વિદેશી રસીઓની આયાતની તૈયારી કરી રહી છે, આ માટે કેટલાક નિયમોને પણ હળવા કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર ફાઇઝર, જેએન્ડજે અને મોડર્ના રસીની આયાત અંગે વિચારી રહી છે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે અમે ગયા વર્ષે મધ્યમાં જ ફાઇઝર, મોડર્ના અને જેએન્ડજે રસીની આયાત અંગેના પ્રયાસો કરી રહ્યા હતા અને તેને બને તેટલી વહેલી તકે ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
મીથ એન્ડ ફેક્ટ્સ ઓન ઇન્ડિયાસ વેક્સિનેશન પ્રોસેસ નામના ટાઇટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સરકારે કહ્યું હતું કે વિદેશથી રસીની આયાત કરવી એટલી સરળ નથી હોતી.
સરકારે કહ્યું હતું કે ભારત સરકારે યુએસએફડીએ, ઇએમએ, યુકેની એમએચઆરએ અને જાપાનના પીએમડીએ તેમજ ડબલ્યુએચઓની ઇમર્જન્સી યુઝ લિસ્ટિંગ દ્વારા માન્ય રસીની ભારતમાં આયાત માટે એપ્રીલ મહિનામાં જ નિયમોને હળવા કરી દીધા છે. આ રસીની ટ્રાયલની જરૂર નહીં રહે.
જે જોગવાઇ ટ્રાયલ માટે કરવામાં આવી હતી તેમાં સુધારા કરી દેવામાં આવ્યા છે. તેથી વિદેશથી આવનારી રસીનો ટ્રાયલ વગર જ સીધો ઉપયોગ કરવો શક્ય બનશે. હાલ ડ્રગ્સ કન્ટ્રોલર પાસે કોઇ જ વિદેશી રસી ઉત્પાદકની માન્યતા માટેની અરજી પેન્ડિંગ નથી.