દેશભરમાં વેક્સિનેશનના ‘સ્પોટ રજીસ્ટ્રેશન’ ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નવી ગાઇડલાઇન્સ મુજબ વેક્સિનેશન શરૂ થયાના પહેલા જ દિવસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સોમવારે એક જ દિવસમાં દેશમાં 82 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી. રાજ્યો પાસેથી તમામ ડેટા આવી ગયા બાદ આ આંકડો હજુ પણ વધવાની સંભાવના છે.
ઓન ધી સ્પોટ વેક્સિનેશનના પહેલા જ દિવસ સોમવારે દેશભરમાં સૌથી વધુ વેક્સિનેશનમાં 2.81 કરોડ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા ક્રમે છે. તો ગુજરાતમાં પણ ઓન ધી સ્પોટ વેક્સિનેશનના પહેલા જ દિવસ સોમવારે રેકોર્ડ બ્રેક ચાર લાખ 87 હજાર વ્યક્તિઓએ કોરોના રસી લગાવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૨.૨૫ કરોડને પાર થઇ ગયો છે.
સરકારની કોવિન રજીસ્ટ્રેશન વેબસાઇટના ડેટા મુજબ સોમવારે એક દિવસમાં 80.96 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી. આ પહેલા પાંચ એપ્રિલે સૌથી વધુ 43 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રેકોર્ડ વેક્સિનેશન બદલ વડાપ્રધાન મોદીએ પણ ખુશી વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે રેકોર્ડ તોડ વેક્સિનેશન ખુશ કરનારો છે. કોરોના સામે લડવા માટે વેક્સિન આપણું સૌથી મજબૂત હથિયાર છે.
કોવિન રજીસ્ટ્રેશન વેબસાઇટ મુજબ સોમવારે સૌથી વધુ વેક્સિનેશન મધ્યપ્રદેશમાં થયું. અહીં એક જ દિવસમાં 15.43 લાખ લોકોને રસી આપવામાં આવી. આ કોઇ પણ રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ વેક્સિનેશનનો રેકોર્ડ છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ 10.67 લાખ લોકોને એક દિવસમાં વેક્સિન અપાઇ.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ સોમવારથી દેશભરમાં નિ:શુલ્ક અને વૉક ઈન વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પણ 33 જિલ્લા, આઠ મહાનગર પાલિકાના એક હજાર 25 રસીકરણ કેન્દ્રો પર નિ:શુલ્ક રસીકરણની શરૂઆત થઈ છે. રાજ્યમાં વેક્સિનેશન બુથની સંખ્યા પાંચ હજાર કરવામાં આવી છે. ગુજરાતમાં 20 જૂન સુધી 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસીના એક કરોડ 38 લાખ 12 હજાર 595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30 લાખ 75 હજાર 163 વેક્સિન ડોઝ અપાયા.