એક સમયે પોતાના ભાષણોમાં મજાક મસ્તી કરી લોકોને હસવા મજબૂર કરી દેનારા લાલુ યાદવ આજકાલ બરાબરના ભેરવાયા છે અને તેઓનો પહેલાનો અંદાજ ગાયબ થઈ ગયો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ફરી એકવાર લાલુ પ્રસાદ યાદવને ભરડામાં લીધા છે, સીબીઆઈ દ્વારા લાલુ યાદવના 15 સ્થળો પર દરોડા પાડયા છે.
બિહારમાં તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે લાલુ પ્રસાદ યાદવના કથિત ભ્રષ્ટાચારને લઈને આ કાર્યવાહી શરૂ થતાં ફરી એકવાર લાલુ ચર્ચામાં આવ્યા છે.
પટના ગોપાલગંજ અને દિલ્હીમાં લાલુ યાદવ તેમની પત્ની રાબડી દેવી અને તેઓના પુત્રી મીસા ભારતીના સબંધિત સ્થળો ઉપર દરોડા પાડવાની કાર્યવાહી થઈ છે, સાથે સાથે રેલવે ભરતી કૌભાંડ મામલે આરજેડી નેતા વિરુદ્ધ નવો કેસ નોંધવામાં આવતા તેઓની મુશ્કેલીઓ વધી છે.
લાલુ યાદવ પર આરોપ છે કે, જ્યારે યુપીએ સરકારમાં રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા.
સીબીઆઈએ આ કેસમાં તપાસ કર્યા બાદ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ 2004 થી 2009 સુધી તત્કાલીન યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. તેઓ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે નોકરીના બદલામાં જમીન આપવામાં આવી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હોવા મુદ્દે હવે તપાસના ચક્રો ગતિમાન થતા લાલુ છાવણીમાં સન્નાટો ફેલાઈ ગયો છે.