આજકાલ મોબાઈલ હાથમાં આવી જતા નાની ઉંમરના બાળકો પોર્ન,હિંસા,ગેમના રવાડે ચડી બગડી ગયા છે,તેમાંય કોરોના આવતા ઓનલાઈન સ્ટડીના બહાને મળી ગયેલા મોબાઇલનો બાળકો મિસયુઝ કરી રહયા ના કિસ્સાઓ સામે આવી રહયા છે ત્યારે પુણેના અલંકાર પોલીસ સ્ટેશન હદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાંઆવી છે.
અહીં ધો.10માં ધોરણના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફોન મૂકીને ટ્યુશન ટીચરનો ગંદો વીડિયો બનાવવાની કોશિશ કરતા આ વિદ્યાર્થીની માતાની ઉંમરની ટ્યુશન ટીચર ચોંકી ઊઠી હતી અને વંઠેલ વિદ્યાર્થીને પાઠ ભણાવવા પોલીસ ફરિયાદ કરી હતી.
પુણેમાં આ ટ્યુશન ટીચર છેલ્લા પાંચ વર્ષથી આ છોકરાને ભણાવવા તેના ઘરે જતા હતા અને પોતાના પુત્રની ઉંમરના વિદ્યાર્થીને સારી કારકિર્દી માટે જ્ઞાન આપતા હતા પણ એક દિવસ ભણાવ્યા પછી જ્યારે ટીચર બાથરૂમમાં ગયા, ત્યારે તેઓએ સાબુના કેસમાં કેમેરા જેવું કંઈક નજરે પડતા તેઓએ સોપકેસ ખોલતાજ ત્યાં મોબાઈલ નજરે પડ્યો હતો જેનો કેમેરા ચાલુ હતો જે જોઈ તેઓ અત્યંત દુઃખી થયા હતા અને ટ્યુશન ટીચરે ફોન પોલીસને આપ્યો હતો.
શિક્ષિકાએ જણાવ્યું હતું કે, આ ઘટનાથી પોતાને ખૂબ જ માનસિક આઘાત લાગ્યો છે કારણ કે પોતે છેલ્લા 5 વર્ષથી આ વિદ્યાર્થીને ભણાવે છે અને ઉંમરમાં પોતે આ વિદ્યાર્થીની માતા કરતાં પણ મોટી ઉંમરના છે, ટીચરે પોતાની ફરિયાદમાં શંકા વ્યક્ત કરી છે કે વિદ્યાર્થીએ તેનો અગાઉ પણ વીડિયો બનાવ્યો હોઈ શકે છે જેની તપાસ કરવા વિનંતિ કરી છે.પોલીસે
સગીર વિરુદ્ધ IPC 354 (C) અને IT એક્ટ 66 (E) હેઠળ ગુનો નોંધી મોબાઇલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીને ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ ફોન આપવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.