કોરોના વેક્સીન માટે બજેટમાં ફાળવેલ નાણાંનો ખર્ચ કરવામાં મોદી સરકાર ભારે ઉદાસીન રહી છે. નાગપુરના એક RTI એક્ટિવિસ્ટને RTI એક્ટ હેઠળ મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે રસીની ખરીદી માટે રૂપિયા 35 હજાર કરોડની કુલ બજેટ જોગવાઈમાંથી માત્ર 4,488.75 કરોડનો ખર્ચ કર્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં કોવિડ રસીકરણ અભિયાન માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી.
એક્ટિવિસ્ટ મોહનીશ જબલપુરેની RTIના જવાબમાં જાણવા મળ્યું છે કે રસીકરણની બજેટ જોગવાઈનાં 13 ટકાથી પણ ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે અને 87.18 ટકા નાણાં હજી ખર્ચવામાં આવ્યા નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મોહિનીશને 28 મેનાં રોજ પોતાના જવાબમાં કહ્યું કે કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ 2021-22માં રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
એચએલએલ લાઈફકેર લિમિટેડ (મંત્રાલયની ખરીદ એજન્સી)ને સીરમ ઇન્સ્ટીટ્યુટ પાસેથી કોવિડ વેક્સિન કોવિશીલ્ડનાં 21 કરોડ ડોઝ ખરીદવા માટે અને ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનના 7.5 કરોડ ડોઝની ખરીદી કરવા 4,488.75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે,કોવિડ-19 રસીની ખરીદી અને ઈનોક્યુલેશનની પ્રક્રિયા ચાલુ છે.
મોહનીશ જબલપુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કેન્દ્રએ 1 મેથી 18–44 વર્ષની વય જૂથ માટે રસી આપવાની જાહેરાત કરી હતી. મારા જેવા હજારો લોકો આ જીવલેણ બીમારીથી પોતાને બચાવવા માટે રસીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ઘણા યુવાનો પણ કોરોનાથી મરી ગયા છે. કેન્દ્રએ વારંવાર જાહેરાત કરી હતી કે ભારતમાં ડોઝની કોઈ અછત નથી. જ્યારે કેન્દ્રએ કુલ બજેટ જોગવાઈઓમાંથી માત્ર 12.82%નો જ ખર્ચ કર્યો છે. કેન્દ્ર બધાને મફત રસી આપવા માટે બાકીની રકમનો ઉપયોગ કેમ કરી રહ્યું નથી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણએ 3 મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે સરકારે 2,520 કરોડ ચૂકવ્યા છે. જેમાં સીરમ સંસ્થાને મે, જૂન અને જુલાઈમાં ડોઝની સપ્લાય માટે રૂ. 1,732.50 કરોડ અને ભારત બાયોટેકને રૂ. 787.50 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે 28 મેના રોજ સરકારે કહ્યું હતું કે તેણે ડોઝની ખરીદી માટે એચએલએલ લાઈફકેર લિમિટેડને 4,488.75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.