કેન્દ્ર સરકારે રસીની અછત દૂર કરવા અને રસીકરણને વધુ તીવ્ર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જુલાઈનાં અંત સુધીમાં, સરકારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રસીના 20-25 કરોડ ડોઝ અને 30 કરોડ ડોઝ ખરીદવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારી સુત્રોએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જૂન મહિનામાં સરકારને કોવિશીલ્ડ રસીના 10-12 કરોડ ડોઝ પ્રદાન કરશે.
10 લાખથી વધુ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અપાયા
આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે બિહાર, દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 18-44 વર્ષની વય જૂથના 10 લાખથી વધુ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે હંગામી રિપોર્ટ મુજબ શનિવાર સાંજ સુધી દેશમાં કુલ 21 કરોડ 18 લાખ 39 હજાર 768 ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
45-60 વર્ષની વય જૂથના 6 કરોડ 53 લાખ 51 હજાર 847 અને 1 કરોડ 5 લાખ 17 હજાર 121 લાભાર્થીઓએ અનુક્રમે પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લીધો છે. ઉપરાંત, 60 વર્ષથી વધુનાં 5 કરોડ 84 લાખ 18 હજાર 226 અને 1 કરોડ 86 લાખ 43 હજાર 720 લોકોએ અનુક્રમે કોરોના રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે.