પેટ્રોલ-ડીઝલ-ગેસના વાહનો હવે જુના જમાનાના ગણાવા લાગ્યા છે અને નવી પેઢીમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે.
દેશમાં 1.22 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતા હવે કાર કંપનીઓ પણ નવી હવા તરફ વળ્યા છે અને લક્ઝરી બ્રાન્ડ્સ પણ ભારતમાં તેમની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી રહી છે.
26 જુલાઈના રોજ વોલ્વો ઈન્ડિયાએ ભારતમાં એસેમ્બલ્ડ XC40 રિચાર્જ ઈલેક્ટ્રિક SUV લૉન્ચ કરી અને 27 જુલાઈનાં રોજ સવારે 11 વાગ્યે તેની સત્તાવાર વેબસાઈટ પર બુકિંગ શરૂ થતાંજ
માત્ર 2 કલાકમાંજ તેના તમામ યુનિટ વેચાઈ જતા કંપનીનો ઉત્સાહ બેવડાયો છે.
કંપનીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય બજારમાં વોલ્વો XC40 રિચાર્જનાં 150 યુનિટ બે કલાકમાં વેચાઈ ગયા છે જેની ડિલિવરી આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઇ જશે.
વોલ્વો ઇન્ડિયા કે, જે સ્વીડિશ કંપની સાથે કામ કરે છે તે ડિસેમ્બર 2022 સુધીમાં વોલ્વો XC40 રિચાર્જનાં 150 યુનિટ ડિલિવર કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત આ લક્ઝરી ઈલેક્ટ્રિક SUVનું બુકિંગ હજુ ચાલુ જ છે, પરંતુ તેની ડિલિવરી આ વર્ષે થશે નહીં. આ વર્ષ માટે જે ડિલિવરી થવાની હતી તેનું બુકિંગ થઈ ચૂક્યું છે.
વોલ્વો XC40 રિચાર્જ ભારતમાં એસેમ્બલ થનારું પ્રથમ લક્ઝરી ઇલેક્ટ્રિક વાહન છે.તેને કર્ણાટકમાં બેંગલુરુ નજીક કંપનીનાં હોસાકોટ પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, નવી વોલ્વો XC40 રિચાર્જ એક્સ-શોરૂમ ₹55.90 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તે દેશની સૌથી સસ્તી લક્ઝરી ઇલેક્ટ્રિક SUV બની ગઈ છે.
આ બે ઇલેક્ટ્રિક મોટર્સમાં 180 kmphની ટોપ સ્પીડ આપવામાં આવી છે, જે 402Bhp પાવર (સંયુક્ત) અને 660Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ ઈલેક્ટ્રિક SUV 4.9 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે, જ્યારે તેની ટોપ સ્પીડ 180 kmph છે.
વોલ્વો XC40 રિચાર્જમાં 78kWh લિથિયમ-આયન બેટરી પેક છે.
વોલ્વો દાવો કરે છે કે, તે સિંગલ ચાર્જ (WLTP સાયકલ) પર 418 કિમીની રેન્જ આપી શકે છે.તેને 150kW DC ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 40 મિનિટમાં 0-80% ચાર્જ કરી શકાય છે. તે જ સમયે, તે સ્ટાન્ડર્ડ 11kW એસી ચાર્જર પર આઠ કલાકમાં ચાર્જ થશે.
આમ,ખુબજ ઝડપથી નવા જમાનાના નવા વિકલ્પ ધરાવતા વાહનો રોડ ઉપર દોડતા થઈ ગયા છે અને તે પણ ટોપ સ્પીડ અને ખુબજ ઓછા સમયમાં ચાર્જ થઈ જવાની ક્ષમતા ધરાવતા હોય લોકોમાં લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે.