શિરડીઃ મહારાષ્ટ્રમાં શિરડી ખાતે આવેલ પ્રસિદ્ધ સાંઈબાબા મંદિર ટ્રસ્ટે દર્શનાર્થીઓ માટે ડ્રેસ કોડ નક્કી કર્યો છે. જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શને આવનાર શ્રદ્ધાળુઓને સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરીને જ મંદિરમાં આવવાની નમ્ર અપીલ કરવામાં આવી છે. મંદિર ટ્ર્સ્ટએ આ અંગેની સૂચના આપતા બોર્ડ પણ લગાવ્યા છે, જેમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તે પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો તેમણે સભ્ય પહેરવેશ-વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવો..
ઉલ્લેખનીય છે કે, શિરડી સાઈબાબા મંદિર ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશ અને વિદેશમાં પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશમાંથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં આ મંદિરમાં આવતા હોય છે. ટ્રસ્ટનું કહેવુ છે કે, અમુક મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવે છે, આ પ્રકારની અનેક ફરિયાદો પણ આવી છે. જેને ધ્યાનમાં લીધા બાદ મંદિર ટ્રસ્ટે દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ભારતના ઘણા મંદિરોમાં મહિલા અને પુરુષ દર્શનાર્થીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. કર્ણાટકના ગોકર્ણ સ્થિત આવેલા મહાબળેશ્વર મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ માટે પારંપરિક વસ્ત્ર પરિધાન ધારણ કરવાના નિયમો છે. અહીં પુરુષો માટે ધોતી અને મહિલાઓ માટે સલવાર સૂટ અને સાડી પહેરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દર્શનાર્થીઓને શર્ટ, પેન્ટ, ટોપી અને કોટ પહેરીને મંદિરની અંદર જવાની પરવાનગી આપવામાં આવતી નથી.