મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે ઊભા થયેલા સંકટ વચ્ચે ઉદ્ધવે બેઠક બોલાવી છે કારણકે રાજ્યના મંત્રી અને સિનિયર નેતા એકનાથ શિંદે શિવસેનાના 20 ધારાસભ્યો લઈને ગુજરાતના સુરતમાં છે. હાલ મહારાષ્ટ્રથી દિલ્હી સુધીના રાજકારણમાં આ કિસ્સાએ ભારે ઉત્સુકતા ઉભી કરી છે. આ બધા વચ્ચે શિવસેનાના સંજય રાઉતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં ગુજરાતના સી.આર.પાટીલનું ષડયંત્ર ગણાવ્યું છે. સુરતમાં શિવસેનાના નારાજ નેતાઓને રહેવા માટેની વ્યવસ્થા પણ સીઆર પાટીલે જ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
સંજય રાઉતે કહ્યું કે આ એક મોટું ષડયંત્ર છે પણ શિવસેના ઈમાનદારોની સેના છે અને ભાજપ સમજતું નથી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા મહારાષ્ટ્ર ઘણું અલગ રાજ્ય છે.
મને જાણવા મળ્યું છે કે કેટલાક ધારાસભ્યો સુરતમાં છે અને તેમને બહાર નીકળવા દેવામાં આવતા નથી.
મને આશા છે કે તેઓ તમામ ધારાસભ્યો પરત ફરશે કારણે કે તેઓ શિવસેનાને વરેલા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલાં રાઉત રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષની મીટિંગમાં ભાગ લેવા દિલ્હી જવાના હતા પરંતુ હવે તેઓએ પ્રવાસ રદ્દ કર્યો છે અને મહારાષ્ટ્રમાં ઉભા થયેલા રાજકીય સંકટના કારણે હવે તેઓ આગામી રણનીતિ માટે ચર્ચા કરશે.