ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અત્યંત ભયંકર અને ઘાતક સાબિત થઇ રહી છે. આ દરમિયાન દેશમાં ફરીથી વધતા જતા કોરોનાના કેસોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરીથી તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, પીએમ મોદી 8 એપ્રિલના રોજ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી શકે છે.
સૂત્રો અનુસાર, દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લીધે કોરોનાના કેસોને કાબુમાં કરવા વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી છે. મીટિંગ સવારના 11 વાગ્યાથી શરૂ થશે. આ દરમ્યાન મુખ્યમંત્રીઓ સાથે કોરોના વેક્સિનેશન પર પણ ચર્ચા થશે.
તમને જણાવી દઇએ કે, આવું પ્રથમ વાર નથી થયું કે, જ્યારે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હોય. આ પહેલાં પણ તેઓએ 17 માર્ચના રોજ એક બેઠક બોલાવી હતી. વડાપ્રધાન મોદીએ આ પહેલાં પણ કોરોના કાળમાં અનેક વાર મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક મહામારીને રોકવા માટે રણનીતિ બનાવી ચૂક્યાં છે. રિપોર્ટ્સ અનુસાર, 8 એપ્રિલના રોજ યોજાવા જઇ રહેલી બેઠકમાં તમામ રાજ્યોની વર્તમાન હાલત વિશે પણ સલાહ-સૂચન લેવામાં આવશે.
શું ફરીથી લાગશે લોકડાઉન?
ઉલ્લેખનીય છે કે કેટલાક રાજ્ય પહેલાથી જ લોકડાઉન જેવા પ્રતિબંધ લાદી ચુક્યા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રે સોમવારે કેટલાક પ્રતિબંધ લાગૂ કર્યા છે, જેમાં નાઇટ કર્ફ્યૂથી લઇ વીકેન્ડ લોકડાઉન સામેલ છે. તેને જોતા બેઠકમાં રાજ્યો પાસેથી સૂચના મેળવી કોરોના સામેના પગલા પર રણનીતિ તૈયાર કરાશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં ગત 24 કલાકમાં 1.03 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા છે, તેમાંથી 81.90 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં નોંધાયા છે.