જમ્મુ-કાશ્મીરમાં આઇએસઆઈએસનો ઝંડો જોવા મળ્યો હતો. શુક્રવારે શ્રીનગરની જામિયા મસ્જિદમાં બુકાનીધારી લોકોએ આઇએસઆઈએસનો ઝંડો દર્શાવતો વીડિયો બનાવ્યો છે. ખાસ વાત એ છે કે ઝંડો બતાવવાની સાથે આ બુકાનીધારી હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારુક મઝહબીના સંદેશો આપવાના સ્થળ પર ચઢીને હોબાળો પણ મચાવી રહ્યા છે. આ ઝંડો લહેરાવાયો જ્યારે મીરવાઇઝ ઉમર ફારુક મઝહબી ભાષણ આપ્યા પછી મસ્જિદથી બહાર આવ્યા હતા.
શ્રીનગરના સંવેદનશીલ નોહટ્ટા વિસ્તારમાં સ્થિત જામિયા મસ્જિદના આ વીડિયોમાં ઝંડો લહેરાવવાની સાથે સાથે ભારત વિરોધી નારેબાજી પણ જોવા મળી છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ આ નકાબપોશને રોકવા પ્રયાસો કર્યા. લોકો અને નકાબપોશો વચ્ચે ધક્કામુક્કી પણ થઇ. આ વીડિયોના સામે આવ્યા પછી સુરક્ષા એજન્સી સતર્ક થઇ છે. કેસની શોધખોળ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ જ મસ્જિદની બહાર બે વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન મોહમ્મદ અયુબ પંડિતની હત્યા કરવામાં આવી હતી.
ખીણમાં આઇએસઆઈએસનો ઝંડો લહેરાવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. શ્રીનગરમાં અલગ-અલગ હિંસા દરમિયાન ઘણી વાર ISISના ઝંડા સુરક્ષાદળોને બતાવવામાં આવે છે. ગત દિવસોમાં એનઆઈએ દ્વારા યુપી અને દિલ્હીમાંથી આઇએસઆઈએસના 10 શંકાસ્પદોની પણ ધરપકડ કરવામાં આવી છે.