કોરોના સંકટકાળમાં મોંઘવારી બેકાબુ બની ગઇ છે. સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ મોંઘવારીદર વધીને 1.3 ટકા થયો છે. એક બાજુ કોરોના સંકટકાળમાં લોકોની આવક ઘટી રહી છે તો બીજી બાજુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.
આજે સરકારી વિભાગે જારી કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (જથ્થાબંધ મોંઘવારીદર – WPI) વધીને 1.32 ટકા થયો છે જ્યારે ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર 0.16 ટકા અને વર્ષ પૂર્વ સપ્ટેમ્બર 2020માં 0.33 ટકા નોંધાયો હતો.
વેપાર અને વાણિજ્ય વિભાગના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ફૂડ આર્ટીકલ્સમાં મોંઘવારી દર વધીને 8.17 ટકા નોંધાયો છે જે ઓગસ્ટમાં 3.84 ટકા હતો. અનાજ-ધાન્યમાં ભાવવધારાનો દર ઘટીને 3.91 ટકા થયો છે જો કે કઠળો-દાળના ભાવ ગત સપ્ટેમ્બરમાં 12.53 ટકા વધ્યા છે. તેવી જ રીતે ગત મહિને શાકભાજીના ભાવ 36.54 ટકા ઉછળ્યા છે જેમાં બટાકાના ભાવ ગત વર્ષની તુલનાએ 107.63 ટકા વધ્યા છે. જો કે ડુંગળીમાં ભાવવધારાનો દર 31.64 ટકા નોંધાયો છે.
નોંધનિય છે કે, ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં વધીને 7.34% આવ્યો છે જે છેલ્લા 8 મહિનાનો સૌથી ઉંચો મોંઘવારી દર છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના સંકટ દરમિયાન સતત ચાર મહિના એપ્રિલથી જુલાઇ સુધી જથ્થાબંધ મોંઘવારી દર નકારાત્મક હતો પરંતુ ત્યારબાદ શાકભાજી-કઠોળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધતા મોંઘવારી દર વધ્યો છે.
ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેન્કે દેશમાં વધી રહેલા મોંઘવારી દરની ચિંતા દર્શાવીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાયેલી બે મોનેટરી પોલિસી કમિટીમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનું ટાળ્યુ છે.