સરકાર ટૂંક સમયમાં તા.30 સપ્ટેમ્બરથી ગરીબોને મફત રાશન આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ને લંબાવવાનો નિર્ણય લેશે.
આ પગલાથી લગભગ 80 કરોડ ગરીબોને ફાયદો થશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સોમવારે કહ્યું કે, સરકારે નક્કી કરવાનું છે કે યોજનાની અવધિ લંબાવવી કે નહીં. જોકે, આ અંગે ક્યારે નિર્ણય લેવામાં આવશે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી. માર્ચ, 2020માં શરૂ થયેલી આ યોજનાની અવધિ ઘણી વખત લંબાવવામાં આવી છે. અત્યારે તે 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે.
સરકાર ટૂંક સમયમાં ઓક્ટોબરથી શરૂ થતા આગામી માર્કેટિંગ વર્ષ માટે ખાંડના નિકાસ ક્વોટાની જાહેરાત કરશે.
સરકારે મે મહિનામાં 100 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી. બાદમાં તે વધારીને 12 લાખ ટન કરવામાં આવી છે.
26 માર્ચે, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને બીજા છ મહિના માટે એટલે કે 30 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવી હતી. માર્ચ સુધી આ યોજના પર લગભગ 2.60 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં વધુ 80,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ રીતે, PMGKAY હેઠળ કુલ ખર્ચ લગભગ 3.40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. યોજનાના છઠ્ઠા તબક્કા (એપ્રિલ 2022 થી સપ્ટેમ્બર 2022) સુધી કુલ 1,000 લાખ ટનથી વધુ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
ખાદ્ય સચિવે કહ્યું કે, દેશમાં 24 મિલિયન ટન ઘઉંનો પૂરતો સ્ટોક છે. જરૂર પડશે તો સંગ્રહખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે જેથી સ્થાનિક સપ્લાય વધારી શકાય. સરકાર ઘરેલુ ઉપલબ્ધતા વધારવા માટે વેપારીઓ દ્વારા ઘઉંના સ્ટોકની જાહેરાત અને સ્ટોક લિમિટ લાદવા જેવા પગલાઓ પર વિચાર કરી શકે છે. સટ્ટાના કારણે ઘઉંના ભાવમાં વધારો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. 2021-22 પાક વર્ષની રવિ સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 105 મિલિયન ટન થવાનો અંદાજ છે.