કોરોના મહામારીને પગલે દેશભરમાં છેલ્લા આઠ-નવ મહિનાથી શાળા-કોલેજો બંધ છે પરંતુ ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા છે. હવે બોર્ડની પરીક્ષાઓ પર નજીક આવી રહી છે. સીબીએસઇ સહિત તમામ બોર્ડે કહ્યુ છે કે બોર્ડની પરીક્ષાઓ સમય પર જ યોજાશે.
બોર્ડની પરીક્ષા નજીક આવતી જોઇ 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓના ચહેરાઓ પર ચિંતાની લકીરો સ્પષ્ટપણે જોઇ શકાય છે. કારણ કે આ વખતે વિદ્યાર્થીઓએ એક દિવસ પણ શાળામાં અભ્યાસ કર્યો નથી. કેટલાંક રાજ્યોમાં શાળાઓ ખુલી પણ હતી પરંતુ તહેવારો, શિયાળીની ઋતુમાં કોરોનાના કેસો ફરી વધતા સાવચેતીના ભાગરૂપ ફરી શાળાઓ બંધ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ કહ્યુ કે, ઓનલાઇન ક્લાસમાં તેઓ પોતાની પરીક્ષાની એવી રીતે તૈયારીઓ નથી કરી શકતા જેટલી હોવી જોઇએ. ખાનગી ટ્યૂશન ક્લાસો પણ બંધ છે.
બીજી બાજુ જાન્યુઆરીમાં બોર્ડની પરીક્ષા માટે પ્રેક્ટિલ પરીક્ષાઓ શરૂ થઇ જાય છે. આથી શાળાઓ ખુલ્યા વગર પરીક્ષાઓ યોજવી કોઇ પડકારથી ઓછી નથી.
કાઉન્સિલ ફોર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને આગામી વર્ષે 4 જાન્યુઆરીથી શાળાઓ ખોલવાની માંગણી કરી છે. કાઉન્સિલે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યુ છે કે, 4 જાન્યુઆરીથી 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓની માટે શાળાઓ ખોલવાની મંજૂંરી આપવામાં આવે.