નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પણ ડુંગળીના સતત વધી રહેલા ભાવથી ચિંતિ છે અને હવે આયાત પ્રતિબંધ બાદ હવે તેની સ્ટોક લિમિટ લાદવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ એટલે કે સ્ટોક લિમિટ પર કાપ મુકી દીધો છે, જેને પગલે એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વ્યાપારી નહીં કરી શકે. આમ થવાથી ડુંગળી સસ્તી થવાની શક્યતાઓ છે. સરકારનો આ આદેશ શુક્રવારથી જ અમલમાં આવી ગયો છે જે આગામી 31મી ડિસેમ્બર સુધી જારી રહેશે.
ઉલ્લેખિય છે કે, છુટક બજારમાં ડુંગળીના ભાવ 100 પ્રત કિગ્રાની નજીક પહોંચતા પ્રજા પરેશાન થઇ ગઇ છે જે પહેલાથી કોરોના મહામારી અને ઘટેલી આવક તેમજ મોંઘવારીની સમસ્યાનો સામનો કરી રહી છે.
સ્ટોક લિમિટના નવા આદેશ મુજબ હવેથી છુટક વ્યાપારીઓ માત્ર બે ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે, તેનાથી વધુ કરશે તો પગલા લેવામાં આવશે. જ્યારે જથૃથાબંધ વ્યાપારીઓ 25 ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે. હાલમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને 75 રૂપિયાની કિમતે એક કિલો ડુંગળી વેચાય છે. જેને પગલે આમ નાગરિકો અને ગરીબોના દૈનિક જીવન પર માઠી અસર જોવા મળી છે.
હાલમાં ખેડૂતો દ્વારા જે ત્રણ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો હતો તેમાં એસેન્સિયલ કોમોડિટી સુધારા એક્ટ 2020નો પણ સમાવેશ થાય છે. જેમાં સરકારે એસેન્સિયલ વસ્તુઓમાંથી ડુંગળીની બાદબાકી કરી નાખી હતી, જેને પગલે વ્યાપારીઓને તેનો સંગ્રહ કરવાનો છુટ્ટોદોર મળી ગયો હતો. આ મામલાનો ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા હતા.