નવી દિલ્હીઃ ભારતમાં જીવેલણ કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. દેશમાં મંગળવાર, 13 જુલાઇના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 31,443 કેસો નોંધાયા છે. જે ૧૧૮ દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કૂલ સંખ્યા વધીને 3,09,07,282 થઇ ગઇ છે. તો બીજી બાજુ કોરોના વાયરસના સંક્રમણથી વધુ 2020 લોકોએ જીવ ગુમાવ્યો છે તેને પગલે કોરોનાથી મરનાર દર્દીઓની કૂલ સંખ્યા 4,10,784 થઇ ગઇ છે. તે ઉપરાંત મંગળવારે કોરોના સંક્રમિત 49,007ઓ સાજા થયા છે અને આ સાતે કોરોના મુક્તિ થનાર લોકોની કુલ સંખ્યા 3,00,63,720 થઇ ગઇ છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની કૂલ સંખ્યા હાલ 4,32,778 છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40,65,862 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે વેક્સીનેશનનો કૂલ આંકડો 38,14,67,646 પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે, દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ હવે 97.28 ટક છે. કોરોના વાયરસના એક્ટિવ કેસો કૂલ પોઝિટિવ કેસોની તુલનાએ 1.40 ટકા છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 1.81 ટકા છે.
કોરોના મહામારીની બીજી લહેર ઓછી થતાં રાજ્ય સરકારોએ દૂર કરેલા લોકડાઉન અને હળવા કરેલા નિયંત્રણોનો લાભ લઈને લોકો ફરવા માટે હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર ટોળે વળવા લાગ્યા છે. જોકે, દેશમાંથી કોરોના હજી ખતમ થયો નથી અને સરકાર તથા નિષ્ણાતો કોરોનાની ત્રીજી લહેર અંગે વારંવાર ચેતવણી આપી રહ્યા છે. જોકે, લોકો સરકારની ત્રીજી લહેરની ચેતવણીને ‘હવામાન એલર્ટ’ની જેમ હળવાશથી લે છે તે યોગ્ય નથી તેમ મંગળવારે નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડૉ. વી.કે. પૌલે જણાવ્યું હતું. તેમણે લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલાનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે અને ભારતમાં તેની અસર ન થાય તે માટે લોકોએ કાળજી રાખવી જોઈએ. વાતાવરણ કરતાં આપણી વર્તણૂક ત્રીજી લહેર લાવશે. આપણે ત્રીજી લહેર ટાળવા માટે કોરોના પ્રોટોકોલની વર્તણૂકનું પાલન કરવું પડશે.