ભારતમાં કોરોના મહામારીી બીજી લહેરથે ભયંકર તારાજી સર્જી છે. કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે સરકાર લડી રહી છે ત્યારે એવામાં યુપીની રાજધાની લખનઉમાં પાણીમાંથી કોરોના વાયરસ મળી આવતા લોકોમાં ભારે હડકંપ મચી ગયો છે. લખનઉની પીજીઆઈ (Lucknow PGI) એ પાણીના સેમ્પલની તપાસ કરી હતી. જેમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટી થઈ છે. પીજીઆઈ માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ (HOD) ડૉ. ઉજ્જવલા ઘોષાલે જણાવ્યું કે, ‘આઇસીએમઆર-WHO દ્વારા દેશમાં પાણીના સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી. જેમાં યૂપીમાં પણ ગટરના નમૂના લેવામાં આવ્યાં હતાં.’
એસજીપીઆઇ લેબમાં ગટરના નમૂનાના પાણીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, લખનૌના ખડરાના રૂકપુર, ઘંટઘર અને માછલી મોહાલની ગટરમાંથી ગટરના નમૂનાઓ લેવામાં આવ્યાં. આ તે જગ્યા છે જ્યાં સમગ્ર વિસ્તારની ગટર એક જગ્યાએ જ ભેગી થાય છે. 19 મેના રોજ, આ નમૂનાની તપાસ કરવામાં આવી તો રૂકપુર ખદરાની ગટરના નમૂનામાં કોરોના વાયરસ મળી આવ્યો. સમગ્ર પરિસ્થિતિ આઈસીએમઆર અને ડબ્લ્યુએચઓને પહોંચાડવામાં આવી છે. ઘોષાલે જણાવ્યું કે, હાલમાં આ પ્રાથમિક અભ્યાસ છે. ભવિષ્યમાં તેની પર વિસ્તારથી અભ્યાસ કરવામાં આવશે.
મળ દ્વારા પણ પાણીમાં પહોંચી શકે છે વાયરસ
ડૉ. ઉજ્જવલા ઘોષાલે જણાવ્યું કે, થોડાં સમય પહેલા પીજીઆઈના દર્દીઓમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ સમયે જાણવા મળ્યું હતું કે મળમાં હાજર વાયરસ પાણીમાં પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, કોરોના વાયરસથી પીડાતા તમામ દર્દીઓના સ્ટૂલ (મળ) થી ગટર સુધી કોરોના વાયરસ પહોંચવાની સંભાવના છે. કેટલાંક અન્ય સંશોધન પત્રોમાં એ વાત પણ સામે આવી કે 50% દર્દીઓનાં સ્ટૂલ વાયરસ ગટરના પાણી સુધી પહોંચી જાય છે.
ડૉ. ઉજ્જવલા ઘોષાલે માહિતી આપતા જણાવ્યું કે, ગટર દ્વારા પાણી નદીઓ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં તે સામાન્ય લોકોને કેટલું મોટું નુકસાન પહોંચાડશે તેના વિશે અભ્યાસ કરવાનું હજુ બાકી છે.
વિદેશમાં થયેલા રિસર્ચમાં દાવો-વાઈરસ પાણીના ફુવારા દ્વારા હવામાં ફેલાઈ શકે છે
ઓનલાઈન જર્નલ KWRના 24 માર્ચ 2020ના અંકમાં નેધરલેન્ડના વૈજ્ઞાનિકનો સ્ટડી પ્રકાશિત થયો હતો. તેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોરોનાવાઈરસના 3 સક્રિય જીન્સ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ રીતે યુકેના સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ હાઈડ્રોલોજી મુજબ કોરોનાવાઈરસ મળ કે પછી ગંદા પાણીમાં પણ થોડા સમય સુધી સક્રિય રહી શકે છે. જોકે કેટલા સમય સુધી પાણીમાં સર્વાઈવ કરે છે, તેની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.