કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આજે બુધવારે રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે વેક્સિનની નવી કિંમતો જાહેર કરી હતી. ખાનગી હોસ્પિટલોને કોવિશીલ્ડ 600 રૂપિયા પ્રતિ ડોઝ અને રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન અપાશે. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ વેક્સિનેશનના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલ સીધા જ વેક્સિન બનાવતી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદીને રાજ્યોને વહેંચી રહી હતી.
ભારત સરકારે તાજેતરમાં જ વેક્સિનેશનના નવા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો વેક્સિન નિર્માતાઓ પાસેથી ડાયરેક્ટ વેક્સિન ખરીદી શકશે. અત્યાર સુધી માત્ર કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદી રહી હતી અને વિભિન્ન રાજ્યોને વહેંચી રહી હતી.
કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે હજુ પણ 50 ટકા વેક્સિન કેન્દ્ર સરકારને જ મળશે જ્યારે બાકીની 50 ટકા વેક્સિન રાજ્ય સરકારો ડાયરેક્ટ વેક્સિન ઉત્પાદકો પાસેથી મેળવી શકશે. સાથે જ પ્રાઈવેટ સેક્ટરને પણ આ પ્રકારે છૂટ આપવામાં આવી છે.
સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તેમની વેક્સિન વિદેશી વેક્સિનની સરખામણીએ ખૂબ સસ્તી છે. અમેરિકાની વેક્સિનનો ભાવ 1500 રૂપિયા પ્રતિ ડોઝ છે. રશિયાની વેક્સિનનો ભાવ 750 રૂપિયા પ્રતિ ડોઝ છે જ્યારે ચીની વેક્સિનનો ભાવ પણ 750 રૂપિયા પ્રતિ ડોઝ છે.
આગામી બે મહિના સીરમ ઈન્સ્ટિટ્યુટ મોટા પાયે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વેક્સિન પૂરી પાડશે. 4-5 મહિના બાદ વેક્સિનનું પ્રોડક્શન વધશે તે સાથે જ તેને રિટેલ માર્કેટ માટે છૂટ આપવામાં આવશે.
અત્યાર સુધી ભારત સરકારને સીરમ ઈન્સ્ટિટ્યુટ પાસેથી 200 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી વેક્સિન મળતી હતી. કેન્દ્ર સરકાર તરફથી સરકારી હોસ્પિટલોમાં તે ફ્રીમાં આપવામાં આવી રહી હતી. જ્યારે પ્રાઈવેટ સેન્ટર્સ માટે 250 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી કિંમત નક્કી કરવામાં આવી હતી.