મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે ચાર વખત પ્રાઈવેટ જેટ બુક કરાવ્યું હતું. પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ આ વાતની કબૂલાત કરી છે.
જેકલીને સોમવારે પૂછપરછ દરમિયાન સુકેશ પાસેથી મળેલી કિંમતી ભેટોની યાદી સોંપી હતી. જેમાં કિંમતી બેગ તેમજ જ્વેલરી અને કાર્ડનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જેકલીન તપાસમાં સહકાર આપી રહી છે.
બુધવારે પ્રથમ પૂછપરછ દરમિયાન પોલીસે જેકલીનને સુકેશને મળેલી ભેટની યાદી લાવવા કહ્યું હતું. ઉપરાંત, પોલીસે તેને વર્ષ 2020 અને 2021 માટે તેના બેંક ખાતાની વિગતો આપવા કહ્યું હતું. સોમવારે બપોરે પૂછપરછ માટે આર્થિક અપરાધ શાખાની ઓફિસે પહોંચેલી જેકલીન તમામ માહિતી સાથે પહોંચી હતી.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે જેકલીને કિંમતી ભેટોની યાદી પોલીસને સોંપી હતી. જેમાં મોંઘીદાટ બેગ, દાગીના અને કાર્ડ હતા. પોલીસે તેની પૂછપરછ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે સુકેશે તેને આ ભેટ ક્યારે અને કોના દ્વારા આપી હતી. પૂછપરછ દરમિયાન જેકલીન થોડી ગભરાઈ ગઈ હતી પરંતુ બાદમાં તેણે પોલીસને તમામ માહિતી આપી હતી.
અભિનેત્રીએ વિદેશમાં તેના માતા-પિતાને આપેલી ભેટ અંગે પોલીસને જાણ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે પોલીસે તેની પૂછપરછ કરી કે સુકેશે તેના માટે પ્રાઈવેટ જેટ ક્યારે બુક કરાવ્યું હતું. આ સવાલના જવાબમાં તે કંઈ બોલી શકી ન હતી. પરંતુ જ્યારે પોલીસે તેને બુક કરાયેલ જેટની યાદી બતાવી તો તેણે તે સ્વીકારી લીધું. તેણે જણાવ્યું કે સુકેશે તેના માટે ચાર વખત પ્રાઈવેટ જેટ બુક કરાવ્યું હતું.