ઉત્તરપ્રદેશ માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકારે મેડિકલની નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે જેમાં પીજી કર્યા બાદ ડોક્ટર્સે ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની રહેશે, અને જો કોઈ અધવચ્ચે નોકરી છોડી જાય તો તેને એક કરોડ રૂપિયા નો દંડ ઉત્તરપ્રદેશ સરકારને ભરવો પડશે.
નવી ગાઈડલાઈન્સના નિર્ણયમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અભ્યાસ પૂરો કર્યા પછી ડોક્ટર્સે તાત્કાલિક નોકરીમાં જોડાવું પડશે. આ ઉપરાંત પીજી પછી સરકારી ડોક્ટર્સના સિનિયર રેસિડેન્સીમાં રોકાવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે વિભાગ તરફથી આ સંબંધમાં NOC જાહેર કરવામાં નહીં આવે.
નવી મેડિકલ ગાઈડલાઈન્સમાં જો કોઈ ડોક્ટર અધવચ્ચે જ પીજી છોડી દેશે તો તેને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાશે. આ ત્રણ વર્ષમાં તે ફરી એડમિશન નહીં લઈ શકે.
ઉત્તરપ્રદેશ ના દરેક ગામો માં પ્રાથમિક અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખૂલ્યાં છે તેમાં ડોકટરો ની અછત છે અને જિલ્લા મુખ્યાલયો પર બનાવાયેલી હોસ્પિટલ્સમાં પણ તબીબો ની ઘટ છે ત્યારે સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ડોક્ટર્સની અછતની સમસ્યા દૂર થશે તેમ મનાઈ રહ્યું છે.
