રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્ય નાર્વેકરે મહાવિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં આ પહેલીવાર બન્યું છે કે, વિધાનસભા અને વિધાન પરિષદની જવાબદારી જમાઈ અને સસરા પાસે હોય. ખાસ વાત એ છે કે બંને રાજકીય વિરોધી પણ છે.
રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા છે. તેમને ભાજપ અને શિવસેનાના એકનાથ શિંદે જૂથ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. રાહુલે પોતાની રાજકીય સફર શિવસેના સાથે શરૂ કરી અને યુવા પાંખના પ્રવક્તા બન્યા. 15 વર્ષ સુધી શિવસેનામાં રહ્યા બાદ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ NCPમાં જોડાયા હતા.
2014ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ NCPની ટિકિટ પર માવલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીતી શક્યા ન હતા. 2019 માં, તેઓ ભાજપમાં જોડાયા અને કોલાબાથી ધારાસભ્ય બન્યા. 45 વર્ષીય રાહુલ નાર્વેકર વ્યવસાયે વકીલ છે. તેમના પિતા સુરેશ નાર્વેકર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં કાઉન્સિલર હતા. BMCના વોર્ડ નંબર 227માંથી ભાઈ મકરંદ બીજી વખત કાઉન્સિલર બન્યા છે. ભાભી હર્ષતા પણ BMCના વોર્ડ નંબર 226માંથી કાઉન્સિલર છે.
રાહુલ અને તેના પરિવારની મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધપાત્ર દબદબો છે. એકનાથ શિંદેને BMCના રાજા પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભાજપે રાહુલને વિધાનસભાના સ્પીકર બનાવીને મહા વિકાસ આઘાડી એટલે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), એનસીપી અને કોંગ્રેસને મોટી રાજકીય હાર આપવાનો પ્રયાસ કર્યો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ રાહુલ દ્વારા એનસીપીમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. NCPમાં રાહુલની પકડ ઘણી સારી છે. તેમના સસરા પોતે વરિષ્ઠ નેતા છે. આવી સ્થિતિમાં રાહુલ એનસીપીના નેતાઓને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી શકે છે.
અત્રે નોંધનીય છે કે રાહુલ વિધાન પરિષદના અધ્યક્ષ અને NCPના વરિષ્ઠ નેતા રામરાજે નિમ્બાલકરના જમાઈ પણ છે. રામરાજે નિમ્બાલકર હાલમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ છે. રામ રાજે એનસીપી પ્રમુખ શરદ પવારના નજીકના માનવામાં આવે છે. 2015માં તેઓ વિધાન પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 2016 માં ફરીથી ચૂંટાયા. 1999 થી 2010 સુધી, તેઓ મહારાષ્ટ્ર સરકારમાં વિવિધ મંત્રાલયોમાં મંત્રી પણ હતા.