નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના વ્યાપક ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ ટોચના 9 અધિકારી સામે તથા અન્ય 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 9 કિલો સોનું તથા રૂ.1.1 કરોડ કબ્જે કરતા ગેરરીતિ આચરનારા તત્વો ફફડી ઉઠ્યા છે.
વર્ષ 2008થી 2010 દરમિયાન 3 હાઇવે પ્રોજેક્ટમાં દર મહિને કટકી થતી હોવા અંગેના કૌભાંડ અંગે NHAIના જનરલ મેનેજર્સ, પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ અને મેનેજર્સ સહિત ટોચના 9 અધિકારી સામે તથા અન્ય 13 લોકો સામે સીબીઆઇએ ગુનો દાખલ કર્યો છે.
વિગતો મુજબ 2008થી 2010 દરમિયાન નેશનલ હાઇવે-6ના સુરત-હજીરા પોર્ટ સેક્શન, નેશનલ હાઇવે-8નાકિશનગઢ-અજમેર-બ્યાવર સેક્શન અને નેશનલ હાઇવે-2ના વારાણસી-ઔરંગાબાદ સેક્શનના પ્રોજેક્ટ્સ NHAIએ ખાનગી કંપનીઓના કન્સોર્ટિઅમને આપ્યા હતા અને તદનુસાર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ બન્યા હતા. આ પ્રોજેક્ટ્સ દરમિયાન NHAIના આરોપી અધિકારીઓએ ખાનગી કંપનીઓ પાસેથી નાણા લીધા હતા, જે તે ખાનગી કંપનીઓના સબ-કોન્ટ્રાક્ટર્સ દ્વારા ચૂકવાયા હતા.
રિપોર્ટ મુજબ, આઇસોલક્સ કોર્સન ઇન્ડિયા એન્જિ. એન્ડ કન્સ્ટ્રક્શન પ્રા. લિ. (ICIECPL) અને સોમા એન્ટરપ્રાઇઝીસના કન્સોર્ટિઅમને ફાળવાયેલા 3 હાઇવે પ્રોજેક્ટ્સમાં કથિત ભ્રષ્ટાચાર થયો. 5.5 કિલો સોનાની સૌથી મોટી રિકવરી વારાણસી-ઔરંગાબાદ સેક્શનના તત્કાલીન પ્રોજેક્ટ ડાયરેક્ટર સૂરજ પ્રકાશ પાસેથી કરાઇ છે. સર્ચ કરાયેલા 22 લોકેશન દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, મ.પ્ર. અને ઉ.પ્ર.ના છે, જ્યાં આરોપીઓના રહેણાક/ઓફિસ સંકુલોમાં દરોડાની કાર્યવાહી કરાઇ,તેમાં કુલ 1.1 કરોડ રૂપિયા રોકડા, 49.1 લાખ રૂ.ની એફડી રિસિપ્ટ્સ, 4.5 કરોડ રૂપિયાનું સોનું તથા વાંધાજનક દસ્તાવેજો કબજે લેવામાં આવતા સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
NHAIના અધઇકારીઓના નામે પ્રોપર્ટીના સંખ્યાબંધ ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે. સીબીઆઇએ ICIECPLના સુરતના કોસ્ટ કંટ્રોલર અને તત્કાલીન પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન મેનેજર ઇવા ગેરિડો રોડા સહિત કંપનીના ટોચના અધિકારીઓ સામે પણ ગુનો દાખલ થતા સબંધિતો દોડતા થઈ ગયા છે.