હાથરસ કાંડમાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આ કેસ ની વિગતો સાંભળી એડીજી પ્રશાંતકુમારને સવાલ કર્યો હતો કે, શું તમારી પુત્રી હોત તો તમે જોયા વિના અંતિમ સંસ્કાર થવા દેત?
હાઈકોર્ટમાં સુનાવણી બાદ પીડિતાના સ્વજનોએ વકીલ સીમા કુશવાહાને આ માહિતી આપી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, એડીજી કહેતા હતા કે, એફએસએલ રિપોર્ટમાં સીમનના પુરાવા મળ્યા નથી, પરંતુ મેં તેમને લૉની ડેફિનેશન સમજવાનું સૂચન કર્યું હતું. મારી પાસે તમામ રિપોર્ટ આવી ચૂક્યા છે. જજે તેમને ક્રોસ ક્વેશ્ન કર્યા, ત્યારે પણ કોઈ અધિકારીઓ પાસે જવાબ ન હતા.
આ દરમિયાન કુશવાહાએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, જે રીતે બેન્ચ અને જજનું વલણ હતું, તેના પરથી લાગે છે કે આ કેસમાં સમાજને સારો સંદેશ જશે. પીડિતાનાં ભાભીએ પણ કોર્ટને જણાવ્યું કે, પીડિતાના મોત પછી ડીએમએ મને કહ્યું હતું કે, આ છોકરી કોરોનાથી મરી ગઈ હોત તો તમને આટલું વળતર ના મળ્યું હોત! આ મુદ્દે જજે ડીએમને સવાલ કર્યો કે જો કોઈ પૈસાદારની પુત્રી હોત તો તમે આ રીતે અંતિમ સંસ્કાર કરવાની હિંમત કરી હોત? જે રીતે મોટા પરિવારોને મતનો અધિકાર છે, તેવી જ રીતે દલિત અને અન્ય તમામ લોકોને પણ બંધારણે મતનો અધિકાર આપ્યો છે.
બીજી નવેમ્બરે વધુ સુનાવણી થનાર છે.જેમાં પીડિત પરિવાર ના વકીલ વધુ દલીલ કરશે.
બીજું કે કેરોસીન છાંટીને કરાયેલા અંતિમ સંસ્કાર પણ માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવાયું હતું.
પીડિતાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે દરેક સમાજના લોકોના માનવાધિકાર છે, તેનું ઉલ્લંઘન ના કરી શકાય. અંતિમ સંસ્કારમાં ગંગાજળ હોય છે, પરંતુ પીડિતાના અંતિમ સંસ્કાર કેરોસીન છાંટીને કરાયા હતા. આ માનવાધિકારનું ઉલ્લંઘન છે. આમ પહેલી સુનવણી દરમ્યાન જ કોર્ટે આ કેસ માં અધિકારીઓ ને ઝાટકી જવાબ માંગ્યા હતા જેથી પીડીત પરિવાર ને ન્યાય મળવાની આશા અને સત્ય બહાર આવવાની આશા બંધાઈ છે.
