દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપ અને હત્યા ની ઘટના માં પીડિત પરિવાર ની મદદે સુપ્રીમ કોર્ટના જાણીતાં વકીલ સીમા કુશવાહ આવ્યા હતા અને તેઓએ આ કેસ મફત માં લડવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે સીમાએ 2012માં નિર્ભયાનો કેસ લડ્યો હતો. આ કેસના ચારેચાર આરોપીને આ વર્ષે 20 માર્ચે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે હાથરસના પીડિત પરિવારને પણ ન્યાય મળવાની આશા વધી ગઈ છે.
વકીલ સીમા કુશવાહે જણાવ્યુ હતું કે પીડિત પરિવાર ઘણો ડરેલો છે. પહેલા પુત્રીને મારી નાખવામાં આવી, પછી રાત્રે પ્રશાસને એના જબરદસ્તીથી અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા.
સીમાએ કહ્યું હતું કે ડીજીપી અને અપર મુખ્ય સચિવ ઘરે આવવાને પગલે પરિવારમાં થોડી ન્યાયની આશા જાગી છે. અત્યારસુધીમાં પ્રશાસન અધિકારીઓ પર જે કાર્યવાહી કરવામાં આવી છે એ માત્ર દેખાડો જ છે. વર્મા કમિટીની ભલામણો મુજબ અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. પરિવારે મને પરવાનગી આપી છે. તેમણે વકીલાતનામા પર સહી કરી છે અને હવે આરોપીઓ ને સજા મળશે, આમ હવે આ કેસ માં પીડિત પરિવાર ને ન્યાય મળવાની આશા અનેકગણી વધી ગઈ છે.
