ભારતમાં કોરોના મહામારીના નવા દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે. આ સાથે મૃ્ત્યુઆંક પણ ઘટતા થોડીક રાહત થઇ છે. ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટીને હવે 1 લાખની નજીક આવી ગઇ છે. તો કોરોનાના એક્ટિવ કેસો પણ ઘટીને 14 લાખે પહોંચી ગયા છે.
ભારતમાં સોમવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં જીવેલણ કોરોના સંક્રમણના નવા 1,00,636 કેસો સામે આવ્યા છે જે છેલ્લા 61 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લે 6 એપ્રીલે કોરોનાના નવા 96,982 કેસો સામે આવ્યા હતા.
બીજી તરફ સોમવારે કોરોના સંક્રમિત વધુ 2427 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાની કુલ સંખ્યા 3.49 લાખે પહોંચી ગઇ છે. રવિવારે કોરોનાના કુલ 15.87 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સાથે જ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 36.63 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને હવે 6.34 ટકાએ પહોંચી ગયો છે.