જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સિક્યોરિટી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટનામાં એક જવાન શહીદને વર્યો હતો. આ ઉપરાંત સિક્યોરિટી ફોર્સીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 6 નાગરિકો મોતને ભેટ્યા હતા. પોલસે આ જાણકારી આપી હતી.
ગુપ્ત માહિતીના આધારે લશ્કરે પુલવામાના સિરનૂ ગામમાં કોમ્બીંગ કર્યું હતું અને કોમ્બીંગ દરમિયાન જ અથડામણ શરૂ થઈ ગઈ હતી. પોલસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અથડાણમાં પ્રદર્શનકારીઓ પૈકી ઈજાગ્રસ્ત થયેલા યુવાનોની ઓળખ આમીર અને આબિદ હુસૈન તરીકે કરવામાં આવી છે. આ બન્ને યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
જમ્મૂ-કાશ્મીરના પુલાવામા જિલ્લામાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા યુવાનો પૈકી એકની પત્ની ઈન્ડોનેશિયાની રહીશ છે અને તેનો ત્રણ મહિનાનો બાળક છે. કરીમાબાદ ગામના આબિદ હુસૈને એમબીએ પૂર્ણ કર્યું હતું અને પાછલા વર્ષે જ કાશ્મીર પરત થયો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં હુસૈન ઉપરાંત આમીર અહેમદ પણ મોતને ભેટ્યો છે.
શુક્રવારે લશ્કરે પુલવામામાંથી આઈઈડી બોમ્બ બનાવનાર યુવાનને પકડી પાડ્યો હતો. આ યુવાનની ઓળખ માયોર અહમદ ખાન તરીકે કરવામાં આવી હતી. આ યુવાનને પુલવામાના તુમલાહાલ વિસ્તારમાંથી ઝબ્બે કરાયો હતો. પોલીસે ત્યાર બાદ તેની પાસેથી આઈઈડી બોમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામાગ્રી કબ્જે કરી હતી.