પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયોની દિકરીઓનું અપહરણ અને ધર્માંતરની વધતી ઘટનાઓ વચ્ચે અન્ય એક 10 વર્ષની હિન્દુ કિશોરીનું અપહરણ અને બળજબરીથી તેના નિકાહ કરવાની અમાનવીય ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સિંધ પ્રાંતમાં સ્થિત ઇસ્લામકોટની રહેવાસી 10 વર્ષની કિશોરી સાથે આ ઘટના બની હતી.
અન્ય ઘટનાઓની જેમ આ કેસમાં પણ હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. પીડિતાના પરિવારજનો પાકિસ્તાન સરકાર સામે ન્યાયની માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સિંધમાં વિતેલા બે મહિના દરમિયાન લધુમતી હિન્દુ સમુદાયની યુવતીઓના અપહરણની આ ચોથી ઘટના છે.
આ પહેલા સિંધ પ્રાંતની અક હિન્દુ યુવતીના અપહરણની ઘટના સામે આવી હતી, રેનો નામની આ યુવતી અભ્યાસ માટે કોલેજમાં ગઇ હતી. જ્યાંથી તેનુ અપહરણ કરી બળજબરીથી નિકાહ કરી દેવામાં આવ્યા હતા. કિશોરીની અપહરણની જાણકારી પાકિસ્તાની હિન્દુઓ દ્વારા સંચાલિત ઓલ પાકિસ્તાન હિન્દુ પંચાયતે સોશિયલ મીડિયા થકી આપી હતી. સોશિયલ મીડિયા પર રેનોની ફોટો સાથે ઉર્દુમાં સમગ્ર કૃત્યની જાણકારી આપવામાં આવી હતી.
આ પહેલા પાકિસ્તાનના લાહોરમાં નનકાના સાહિબ વિસ્તારમાંથી એક સિખ યુવતીને બંદૂકની અણીએ અપહરણ કરી ધર્મપરિવર્તન અને નિકાહનો કિસ્સો સામે આવ્યો હતો.