મહામારી અને મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલી વધશે કારણ કે સરકારે ચાલુ મહિને બીજી વખત રાંધણગેસના ભાવ વધાર્યા છે. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે બુધવારે રાંધણગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો જાહેરે કર્યો છે. આની સાથે ચાલુ મહિને બીજી વખતે રાંધણગેસના ભાવ વધાર્યા છે. આમ ડિસેમ્બર મહિનામેં અત્યાર સુધીમાં પ્રતિ સિલિન્ડર દીઠ રાંધણગેસના ભાવ 100 વધી ગયા છે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કહેવુ છે કે, વૈશ્વિક બજારમાં કિંમતો વધવાને લીધે ઇંધણના ભાવ વધારવામાં આવ્યા છે. આજના ભાવવધારાને પગલે દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિગ્રાના રાંધણગેસના સિલિન્ડરની કિંમત વધીને 694 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 644 રૂપિયા હતી. અગાઉ 1લી ડિસેમ્બરના રોજ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયા વધાર્યા હતા.
આ અગાઉ જુલાઇથી નવેમ્બરના 5 મહિના સુધી રાંધણગેસના ભાવમાં કોઇ વધારો કર્યો ન હતો અને હવે ડિસેમ્બરમાં બે વખત ભાવ વધારી દીધા છે. દિલ્હીમાં જૂન 2019માં રાંધણગેસના સિલિન્ડરનો ભાવ 497 રૂપિયા હતા. ત્યારબાદથી અત્યાર સુધીમાં તેના ભાવ 147 રૂપિયા વધ્યા છે.