ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટી રહ્યો છે. ભારતમાં સતત ચોથા દિવસે એક લાખથી ઓછા દૈનિક નવા કોરોના કેસ નોંધાયા છે. ભારતમાં 11 જૂન, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 91702 નવા કેસો નોંધાયા છે અને વધુ 3403 લોકોના મોત નિપજ્યા છે.
આ સાથે જ દૈનિક પોઝિટિવિટી રેટ 4.49 ટકા રહ્યો છે. કુલ કેસોનો આંકડો પણ વધીને 2.92 કરોડે પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ કેસો વધુ ઘટીને 11.21 લાખે આવી ગયા છે. દેશમાં હવે એક્ટિવ કેસો કુલ સંક્રમિત કેસોના માત્ર 3.83 ટકા છે. રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટ વધીને 94.93 ટકાએ આવી ગયો છે. કોરોના ટેસ્ટિંગ પણ પહેલા જેટલુ જ ચાલી રહ્યું છે. એક દિવસમાં કોરોનાના 20.44 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જે સાથે જ કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો 37.42 કરોડે પહોંચી ગયો હતો. બીજી તરફ કોરોનાની અસર દેશની કેટલી વસતી પર થઇ છે અને લોકોની ઇમ્યૂનિટી વગેરેની ચકાસણી માટે આઇસીએમઆર દ્વારા રાષ્ટ્રીય સ્તરે સીરો સરવે હાથ ધરવામાં આવશે.
હાલ સીરો સરવે ચોક્કસ વિસ્તાર અને રાજ્ય પુરતો કરાયો હતો પણ હવે તે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇને હાથ ધરાશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યો પાસે કોરોના રસીના 1.17 કરોડ ડોઝ ઉપલબૃધ છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં વધુ 38 લાખ ડોઝ પહોંચતા કરવામાં આવશે.