ચંડીગઢની જેડબલ્યુ મેરિએટ હોટેલમાં અભિનેતા રાહુલ બોઝ પાસેથી વસૂલ કરાયેલા બે કેળા માટેનાં 442 રુપિયા હવે જૂની વાત થઈ ગઈ છે. રાહુલ બોઝને પણ 442 રુપિયામાં બે કેળા સસ્તા લાગે એવી એક ઘટનામાં એક ટ્વીટર યુઝરને મુંબઈની ફોર સિઝન્સ હોટેલમાં બે બોઈલ્ડ ઈંડા માટે 1700 રુપિયા ચૂકવવા પડ્યા હતા. એટલું જ નહીં ગ્રાહકને એક આમલેટ 850 રૂપિયામાં પડી હતી.
અભિનેતા રાહુલ બોઝના કેળા વિવાદ પછી ચંડીગઢના એક્સાઈઝ અને ટેક્સેશન વિભાગે જેડબલ્યુ મેરિએટ હોટેલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હવે મુંબઈની હોટેલમાં બે બોઈલ્ડ ઈંડાની કિંમત જોઈને આઘાત પામેલા ગ્રાહક કાર્તિક ધરે ટ્વીટર પર બિલનો ફોટો શેર કર્યો છે, જેની કેપ્શનમાં તેમણે લખ્યું છે, ‘ફોર સિઝ્ન્સ હોટેલમાં બે ઈંડાની કિંમત 1700 રૂપિયા.’ કાર્તિકે રાહુલ બોઝને પણ પોસ્ટની કેપ્શનમાં ટેગ કર્યા છે અને લખ્યું છે, ‘ભાઈ, આંદોલન કરીએ?’
‘ઓલ ધ ક્વીન્સ મેન’ના લેખક દ્વારા શેર કરાયેલા આ બિલમાં જોવા મળે છે કે હોટેલે બે આમલેટ માટે પણ તેમની પાસેથી એટલી જ કિંમત વસૂલી હતી. હજુ સુધી હોટેલ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. દરમિયાન કાર્તિક ધરની આ પોસ્ટ પર એક ટ્વીટર યુઝરે લખ્યું છે, ‘આ ઈંડા સાથે સોનું પણ નીકળ્યું હતું કે શું?’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી, ‘મરઘી ચોક્કસ કોઈ અમીર ઘરની હશે.’
ગત મહિને, બોલિવૂડ એક્ટર રાહુલ બોઝે ચંડીગઢની જેડબલ્યુ મેરિઅટ હોટેલે તેમને બે કેળા માટે જીએસટી સહિત 44રુપિયાનું બિલ પકડાવ્યું હતું તેના વિશે ટ્વીટર પર ટ્વીટ કર્યુ હતું. જેના પછી ચંડીગઢના એક્સાઈઝ એન્ડ ટેક્સેશન વિભાગે હોટેલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જો કે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસીએશન્સ ઓફ ઈન્ડિયા (FHRAI)એ દલીલ કરી હતી કે આમાં કંઈ ‘ગેરકાયદે’ નથી. આ સંગઠનનાં કહેવા મુજબ, હોટેલ સર્વિસ, ગુણવત્તા, પ્લેટ, કટલરી, એકમ્પનીમેન્ટ, સેનિટાઈઝ્ડ ફ્રૂટ, એમ્બિયન્સ અને લક્ઝરી આપે છે, માત્ર કેળા આપતી નથી.