કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યુ કે, ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારવા માટે 2021ની વસ્તી ગણતરી મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે. શાહે નવી દિલ્હીમાં વસ્તી ગણતરી આયુક્તના કાર્યલયના પાયા નાંખ્યા બાદ જણાવ્યુ કે, સમગ્ર ભારત દેશમાં વસ્તી ગણતરી 16 ભાષામાં કરવામાં આવશે, જેના પર 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે જણાવ્યુ કે, વસ્તી ગણતરી લગભગ માર્ચ 2021માં થશે, પરંતુ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હીમ વર્ષાના કારણે ત્યાં ઓક્ટોબર 2020માં વસ્તી ગણતરી કરવામાં આવશે. એપમાં લોકોએ પાન નંબર, વોટર કાર્ડ નંબર, આધાર નંબરની ડિટેલ્સ આપવી પડશે.
શાહે આગળ જણાવ્યુ કે, વસ્તી ગણતરી સાથે જ દેશના સામાન્ય રહેવાસીઓના રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટ્રાર (NPR) માટે પણ આંકડાઓ લેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યુ કે, NPR અસમના એનઆરસીના રાષ્ટ્રવ્યાપી સંસ્કરણના આધારે થઈ શકે છે. શાહે જણાવ્યુ કે, વસ્તી ગણતરીના આંકડા મોબાઈલ એપથી લેવામાં આવશે. પ્રથમ વખત વસ્તી ગણતરી માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. ભારત કાગળ અને પેન દ્વારા કરવામાં આવતી વસ્તી ગણતરીથી આગળ વધી રહ્યું છે, જેનાથી વસ્તી ગણતરીમાં ક્રાન્તિ આવશે. ગૃહ મંત્રીએ વસ્તી ગણતરીના સંદર્ભમાં જણાવ્યુ કે, આ આંકડાઓ દેશના ભવિષ્યની યોજનાઓ બનાવવામાં મદદ કરશે, ખાસ કરીને વિકાસ યોજના, કલ્યાણ કારી યોજના વગેરે અને આ ‘લોક ભાગીદારી’ની કવાયત હશે.
શાહે જણાવ્યુ કે, ભારતની કુલ 130 કરોડની વસ્તીને તેના મહત્વ વિશે જણાવવામાં આવે. કેવી રીતે વસ્તી ગણતરીના આંકડા ભવિષ્યની યોજનાઓ, વિકાસ યોજના અને વસ્તી ગણતરીના આંકડાઓ વોર્ડ, વિધાનસભા અને લોકસભા વિસ્તારની સરહદને નિર્ધારણ કરવામાં પણ મદદ કરશે. તેમણે વસ્તી ગણતરીના અધિકારીઓથી સાવધાની પૂર્વક આ કામ કરવાની અપીલ કરી છે સાથે જ જમાવ્યુ કે, આ તેમના માટે પુણ્ય કમાવવાનો મૌકો છે જે રાષ્ટ્ર નિર્માણમાં મદદગાર સાબિત થશે.
શાહે જણાવ્યુ કે, પહેલાની સરકાર કલ્યાણકારી યોજનાઓને તબક્કા વાર બનાવતી હતી અને પહેલાની સરકારોએ કોઈ પણ વ્યાપક યોજનાઓ નથી બનાવી. તેમણે જણાવ્યુ કે, 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. દ્રષ્ટિકોણ અને વિચાણસરણી પૂર્ણ રીતે બદલાઈ ગઈ પરંતુ સમસ્યાઓને મૂળથી ખતમ કરવા માટે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રીએ આગણ જણાવ્યુ કે, વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે મોદી સરકારે દરેક ઘરે વિજળીનો કનેક્શન, ગેસ કનેક્શન, રસ્તાઓનો નિર્માણ, ગરીબો માટે ઘર, શોચાલય, બેન્ક ખાતાઓ અને બેન્ક શાખાઓ ખોલ્યા સહિત 22 કલ્યાણકારી યોજનાઓ બનાવી છે.
તેમણે સરકારની ‘ઉજ્જવલા’ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત ગરીબ પરિવારોને મફત એલપીજી કનેક્શન આપવામાં આવ્યો છે. આ યોજના સફળ રહી છે કારણ કે આ યોજના વર્ષ 2011ની વસતી ગણતરીના આંકડાઓના આધારે બનાવવામાં આવી હતી. શાહે વધુમાં જણાવ્યુ કે, 2022 સુધી એક પણ પરિવાર એવું નહી હોય જેની પાસે ગેસ કનેક્શન નહી હોય. તેમણે સાથે જ જણાવ્યુ કે, 2011ની વસ્તી ગણતરીમાં કેટલાક રાજ્યોમાં લિંગભેદ વિશે જણવા મળ્યુ જે બાદ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.