ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવાર રાત્રે વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. જોકે, આ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રણ રેખા પર (LoC) તણાવ ચાલુ જ છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછમાં ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
શુક્રવાર મોડી રાત્રે સીમા પારથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં 9 મહિનાની બાળકી પણ સામેલ છે, જ્યારે બે અન્ય ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સૈનિકોએ પહેલીવાર ફાયરિંગ કર્યું. મોર્ટારથી સામાન્ય નાગરિકોના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સુરક્ષા દળોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો.
અધિકારીઓ મુજબ, ફાયરિંગમાં મૃત્યુ પામનારાઓની ઓળખ રૂબાના કૌસર (24), તેમનો દીકરો ફજાન (5) અને 9 મહિનાની દીકરી શબનમ તરીકે થઈ છે. જ્યારે રુબાનાના પતિ મોહમ્મદ યૂનિસ અને એક અન્ય વ્યક્તિ ઘાયલ થયા છે.