એક તરફ સરકાર દાવા કરી રહી છે કે ખેડૂતોની સ્થિતિ સુધારવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ ખેડૂતોની આત્મહત્યાના આંકડા સરકારના આ દાવાનો પોલ ખોલી રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) દ્વારા જારી આંકડા મુજબ છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં 3.22 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.

આ આંકડો સમગ્ર દેશ માટે ચિંતાજનક છે કેમ કે દિવસે ને દિવસે આત્મહત્યાનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. સૌથી કફોડી સ્થિતિ મહારાષ્ટ્રની છે. માત્ર ત્રણ વર્ષમાં જ મહારાષ્ટ્રમાં 12 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે અને આ આંકડા પણ સરકારે જ જારી કર્યા છે. પ્રાપ્ત આંકડા અનુસાર વર્ષ 1995થી 2015 સુધીમાં જ 3.22 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.

આશ્ચર્યની વાત એ છે કે 2015 બાદ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા ખેડૂતોની આત્મહત્યાના કોઇ આંકડા જ સત્તાવાર રીતે જારી નથી કરવામાં આવ્યા. અનેક રાજ્યોમાં રોજ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતા સરકાર દ્વારા સત્તાવાર રીતે આંકડા જારી નથી કરાતા.

વર્ષ 2013માં કૃષી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યાથી મોતની સંખ્યા 11,772 હતી, જ્યારે 2014માં તે વધીને 12,360, 2015માં 12602 થયો. ભારતમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા 2015ના રિપોર્ટ અનુસાર દરરોજ આશરે 34 ખેડૂતો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં સ્થિતિ કફોડી છે.

આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેવુ અને લોનનું ભારણ આત્મહત્યાનું મુખ્ય કારણ છે. 2015માં મહારાષ્ટ્રમાં 4291, કર્ણાટકમાં 1569, તેલંગાણામાં 1400, મધ્ય પ્રદેશમાં 1290, છત્તીસગઢમાં 954, આંધ્ર પ્રદેશમાં 916, તામિલનાડુમાં 606 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.