વર્ષના પ્રથમ દિવસે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ વર્ષભરનું આયોજન રજૂ કર્યું હતું. બેંગાલુરુ ખાતે આવેલા ઈસરોના હેડક્વાટર ખાતે ઈસરોના ચેરમેન કે.સિવાને જણાવ્યું હતુ કે હવે અમારી નજર ભારતના પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન ઉપર છે. ગગનયાનની દિશામાં આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે. એટલુ જ નહીં ભારતીય વાયુસેના ચાર પાઈલટોની અંતિમ પસંદગી કરી લેવાઈ છે, જેમને એસ્ટ્રોનોટ (અવકાશયાત્રી)ની તાલીમ અપાશે. ભારત માટે સમાનવ અવકાશયાત્રા નવો વિષય હોવાથી પસંદ થયેલા ચારેય અવકાશયાત્રીઓને રશિયામાં ટ્રેનિંગ અપાશે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં તેઓ તાલીમ માટે રવાના થશે.
૨૦૧૮માં વડા પ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરી દીધા પછી ગગનયાન ઈસરો માટે મહત્ત્વપૂર્ણ મિશન બની ગયું છે. ઈસરો અડધી સદીથી દેશી-વિદેશી ઉપગ્રહો કક્ષામાં લૉન્ચ કરે છે પરંતુ હજુ સુધી સમાનવ અવકાશયાત્રા યોજી નથી. ભારતની આઝાદીના ૭૫ વર્ષના પ્રસંગે ૨૦૨૨માં આ સિદ્ધી મળી શકે એ માટે ગગનયાન લૉન્ચ કરાશે.
આ મિશન હેઠળ ચાર અવકાશયાત્રીઓ સ્પેસ ક્રાફ્ટમાં સવાર થઈને ૩૦૦થી ૪૦૦ કિલોમીટરની લોઅર અર્થ ઓરબિટમાં સફર કરશે. શરૂઆતમાં એરફોર્સની ધ ઈન્સ્ટિટયૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન દ્વારા કુલ ૧૨ અવકાશયાત્રીઓ પસંદ કરાયા હતા, જેમાંથી ચાર ફાઈનલ થયા છે.