મહારાષ્ટ્રમાં સોમવારનાં 5 તાજા કેસ સામે આવતાની સાથે જ રાજ્યમાં COVID-19નાં પીડિતોની સંખ્યા 38 પહોંચી ગઈ છે. આમાંથી 3 કેસ મુંબઈ, 1 નવી મુંબઈ અને 1 યવતમાલનો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસનાં કેસ વધીને 116 થઈ ગયા છે. યવતમાલનાં ડીએલ એમડી સિંહે જણાવ્યું કે જિલ્લામાં વધુ એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં જ દુબઈથી પરત ફર્યો છે. આ દરમિયાન રાજ્ય સરકાર પહેલાથી જ કોરોનાને પહોંચી વળવા માટે સાવધાની રાખતા પગલાં ઉઠાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરે અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોના વાયરસ પર સમીક્ષા માટે ચીફ સેક્રેટરી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરી. રાજ્યમાં કોરોનાનાં સૌથી વધારે કેસ અત્યાર સુધી પુણેમાં આવી ચુક્યા છે, પરંતુ ધીરેધીરે મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે, જેનાથી સરકાર અને તંત્ર પણ ચિંતિત છે. મુંબઈ પોલીસે પહેલા જ કલમ 144 લગાવી દેતા ગ્રુપ ટૂર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલા સુધી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.