છેલ્લા કેટલાય સમયથી સરકાર દેશની અર્થવ્યવસ્થા ઉપર લાવવાની વાત કરી રહી છે પણ છેલ્લા બે વર્ષથી દેશની GDP પાતાળમાં પહોંચી ગયો છે. તેઓને GDPની ચિંતા છે પરંતુ ગ્રોસ એન્વાર્યમેન્ટ પ્રોડક્ટ (જીઈપી) વિશે તો કોઈ ચર્ચા જ કરતું નથી, તેમ પદ્મભૂષણ વિજેતા ઉત્તરાખંડના સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવાદી ડો.અનિલ જોષીનું કહેવું છે. એમ.એસ.યુનિ.યુનિયન દ્વારા ‘એક્તા ફોર એન્વાર્યમેન્ટ’ વિશે વેબિનારનું આયોજન કરાયું હતું જેમાં ડો.જોષીએ કહ્યું કે પર્યાવરણના ભોગે જીડીપી વધારી રહ્યા છે પણ જીઈપી અંતર્ગત સરકારે શું કર્યું? અત્યારસુધીમાં હવા કેટલી શુધ્ધ કરી? વરસાદનું પાણી કેટલું બચાવ્યું, કેટલી નદીઓને શુધ્ધ કરી, કેટલા જંગલો ઊભા કર્યા, માટીને કેટલી ઓર્ગેનિક બનાવી તેનો તો કોઈ હિસાબ જ નથી. અત્યારે જેટલું પૃથ્વીને નુકસાન કર્યું તે થઈ ગયું પરંતુ જો વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય સંકટમાં ન મૂકવું હોય તો તેઓએ બિનજરુરી ચીજવસ્તુઓનો ત્યાગ કરવો પડશે તેના થકી જ પ્રકૃતિને વધુ સુંદર બનાવી શકીશું. કોરોનાની મહામારીમાં ગત વર્ષે થયેલા લોકડાઉનમાં રસ્તાઓ પર વાહનો ઓછા થતા જ હવા અને નદીનું પ્રદૂષણ ઓછુ થવા લાગ્યું હતું તો વ્યક્તિ શનિ-રવિ બિનજરુરી વાહન લઈને બહાર ફરવાને બદલે જો પરિવાર સાથે સમય વિતાવશે તો થોડે અંશે પ્રકૃતિને બચાવવાના ભાગીદાર બની શકશે. ડો.જોષીએ કહ્યું કે પૃથ્વી પરના તમામ જીવોની સંભાળ રાખી શકે તે હેતુથી મનુષ્યને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે પણ આ બુધ્ધિજીવી મનુષ્ય બુધ્ધિહિન થઈ ગયો છે. પૃથ્વીએ ત્રણ સિધ્ધાંતો આપેલા છે કે મનુષ્યનું જીવન પ્રકૃતિ પર નિર્ભર છે, તેઓએ એકબીજા સાથે જોડાયેલું રહેવું પડશે અને જેટલો પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરો તેટલો તેના વિકાસમાં ફાળો આપો પરંતુ દુર્ભાગ્ય છે કે મનુષ્ય આ ત્રણેય સિધ્ધાંત ભૂલી ગયો છે. ડો.જોષીએ કહ્યું કે વર્ષ ૨૦૦૦થી ૨૦૨૦ દરમિયાન દેશે વિકાસના નામે પાંચ હજાર હેક્ટર જંગાલોને ખોયા છે ઉપરાંત સ્વતંત્રતા સમયે દેશમાં ૨૫ લાખ તળાવો હતો એમાંથી માંડ અત્યારે ૫ લાખ બચ્યા છે, મીઠા પાણીના સ્ત્રોત સમા કૂવા અને વાવડીઓને ખોઈ દીધી, કેમિકલયુક્ત ખાતર ઉમેરીને માટીન ઝેેરીલી બનાવી દીધી છે. બધાને સુખ-સુવિધાવાળુ જીવન જોઈએ છે પરંતુ તેની પણ કોઈ મર્યાદા હોય ને? અંકુશની રેખા ન બનાવતા આજે પૃથ્વીએ દુષ્કાળ, રોગચાળા રુપી દંડ દેવાનું ચાલુ કરી દીધું છે. મનુષ્યના જીવન માટે જરુરી એવો પીવાલાયક પાણીનો સૌથી મોટો સ્ત્રોત અને ફિક્સ ડિપોઝીટ એ હિમખંડો છે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે હિમખંડો તૂટી રહ્યા છે અને તેનું પાણી દરિયામાં મિક્સ થતા બિનઉપયોગી બની જશે. ઉપરાંત દરિયાનું સ્તર ઊંચુ આવતા તેની નજીક આવેલા શહેરો દરિયામાં ડૂબીને ખત્મ થઈ જશે.
