કોરોના બીજી લહેર વચ્ચે સામાન્ય લોકોને વધુ એક ફટકો પડી શકે છે. હેલ્થ INSURANCE પોલીસી મોંઘી થઇ શકે છે. વીમા કંપનીઓને કોરોના કેસો સાથે સંબંધિત અત્યાર સુધી 1500 કરોડ રૂપિયાના ક્લેમ મળી ચુક્યા છે. એવામાં કંપનીઓને લાગે છે કે કોરોના મહામારી આગળ પણ રહી શકે છે, તેથી આગળ ક્લેમ પણ વધારે આવશે.કેટલાક મીડિયા અહેવાલો મુજબ તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓએ સાથે મળી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIની હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં 10 ટકાનો વધારો કરવાની મંજૂરી માંગી છે. વીમા કંપનીઓ પ્રીમિયમમાં કોવિડ-19 સેસના નામે આ વધારો કરવા માંગે છે. કંપનીઓની દલીલ છે કે કોવિડ-19ના કેસોમાં વધારા પછી તેમના ક્લેમમાં જંગી વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હવે રોજના 2 લાખથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, એમપી અને યૂપી સહિત અનેક રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ રહી છે.
જો વીમા કંપનીઓની ભલામણને IRDAIએ માની લે છે, તો લોકોના ખિસ્સા પર સીધી અસર થશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી મોંઘી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ઇન્શ્યોરન્સ ક્લેમ વધ્યા છે, પરંતુ વીમા કંપનીઓએ પ્રીમિયમ વધાર્યું નથી, જેના કારણે તેમના પર ખૂબ જ દબાણ છે.બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના હેડ ગુરદીપ સહ બત્રાનું કહેવું છે કે કોરોનાકાળમાં વીમા કંપનીઓને ખૂબ જ વધારે ક્લેમની ચુકવણી કરવી પડી રહી છે. સારવાર મોંઘી થઇ રહી છે અને તેમાં આગળ પણ વધારો થશે. મેડિકલ ઇનફ્લેશન (મેડિકલ સેક્ટરથી જોડાયેલી સેવાઓ અને ઉત્પાદનોની કિંમતમાં વૃદ્ધિ) એક મોટું કારણ છે, જેથી સ્વાસ્થ્ય વીમા પોલિસી મોંઘી થઈ છે. હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ વધ્યો છે, કોવિડ-19ના કારણે કંપનીઓને વધારે ક્લેમ આપવા પડી રહ્યા છે.