તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલને શંકાસ્પદ કેસોની તપાસ માટે ‘ફ્લૂ કોર્નર’ રાખવા માટે પણ જાહેરનામા મુજબ આદેશ કરી દેવાયો છે. ૩૧ માર્ચ સુધી રાજ્યમાં સરકારી કોન્ફરન્સ, સેમિનાર અને વર્કશોપ યોજવા ઉપર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે. તો કોઇપણ દેશમાંથી આવતા અને શરદી-ખાંસી, તાવ, શ્વાસમાં તકલીફ જેવા રોગના લક્ષણ હશે તો તે પ્રવાસીઓને સીધા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેની ગાઇડ લાઇન મુજબ સારવાર કરવામાં આવશે તેમ પણ સરકારે જાહેર કર્યું છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિએ કોરોના વાઇરસ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓના ૭૭ સેમ્પલના પરીક્ષણ કરાયા છે જેમાંથી ૭૨ નેગેટિવ આવ્યા છે અને પાંચનો રિપોર્ટ બાકી છે. રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ-સંસ્થાઓમાં યોજાતા સેમિનાર, વર્કશોપ કે કોન્ફરન્સ મુલતવી રાખી દેવાયા છે. તે સાથે નાગરિકોને પણ તકેદારીના ભાગરૂપે સામૂહિક કે સામાજિક મેળાવડાના નાના-મોટા પ્રસંગ ટાળવા કે મોકૂફ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓ જે દેશમાંથી છે તેવા દેશોમાંથી જો ગુજરાતમાં કોઇ આવે તો તેને ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ જાહેરનામા મુજબ કોરોનાગ્રસ્ત દેશમાંથી આવેલો મુસાફર કે કોરનાગ્રસ્ત વ્યક્તિના સંસર્ગમાં આવેલા શંકાસ્પદનું સ્ક્રીનીંગ કરાય તો તેની ટ્રાવેલ હિસ્ટ્રી રાખવા પણ તાકિદ કરાઇ છે. તેવા વ્યક્તિને આઇસોલેટ કરવામાં આવશે.
રાજ્યમાં કુલ ૨૮૧૪ મુસાફરો કોરોનાગ્રસ્ત દેશમાંથી આવેલા છે તે પૈકી ૧૨૨૪ પ્રવાસીએ ૨૮ દિવસનો ઓબ્ઝર્વેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે તેમની તબિયત સારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બિનજરૂરી હાઉ ઉભો ન થાય તે માટે અને કોઇ પોઝિટિવ કેસ નોંધાયો નહીં હોવાથી સ્કૂલ-કોલેજ બંધ રાખવા જેવા પગલાની હાલ કોઇ જરૂરિયાત લાગતી નથી. જાહેરમાં થૂંકવા ઉપર દંડ વસૂલવાની વિચારણા ચાલી રહી છે પણ તેનો નિર્ણય મહાનગરો સાથે વિચારણા કરીને લેવામાં આવશે. રાજ્યમાં માસ્ક સહિતની જરૂરી સુવિધા સાથે આરોગ્ય તંત્ર તમામ રીતે કોરોના સામે લડવા સજ્જ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના તમામ જિલ્લા-કોર્પોરેશનમાં ક્વોરેન્ટાઇન સુવિધા શરૂ કરાઇ છે અને ૧૧૧૭ બેડ છે જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઇ શકાય છે. અમદાવાદ અને જામનગર બાદ સુરત, રાજકોટ અને વડોદરા ખાતે પણ કોરોના વાયરસના લેબ પરીક્ષણની સુવિધા ઉભી કરવામાં આવશે.