પંજાબ નેશનલ બેંકના મુખ્ય કૌભાંડી મેહુલ ચોકસીને લઇને ભારતને મોટો ઝટકો લાગ્યો છે. એન્ટીગુઆમાં રહેનાર મેહુલ ચોકસીને હવે ભારત લાવવો મુશ્કેલ બન્યો છે. દેશના સૌથી મોટા બેંક કૌભાડમાંનું એક મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. મળતા અહેવાલ મુજબ મેહુલ ચોકસીએ ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆ ઉચ્ચાયુક્તમાં જમા કરાવી દીધો છે. જેનો સીધો મતલબ એ થાય છે કે મેહુલ ચોકસીને ભારત લાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી ભર્યું રહેશે.
એક મળતી માહિતી મુજબ મેહુલ ચોકસીએ પોતાનો પાસપોર્ટ નંબર Z 3396732ને રદ્દ કરી જમા કરાવી દીધો છે. મેહુલ ચોકસીને ભારતીય નાગરિકતા છોડવા માટે 177 અમેરિકન ડોલરનો ડ્રાફટ જમા કરાવી દીધો છે.
આ અંગે વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહ મંત્રાલયને સૂચના આપી દીધી છે. નાગરિકતા છોડવાના ફોર્મમાં મેહુલ ચોકસીએ પોતાનું નવું સરનામું જોલી હાર્બર સેન્ટ માર્કસ એન્ટીગુઆ બતાવ્યું છે.
મેહુલ ચોકસીએ ઉચ્ચાયુક્ત સમક્ષ જણાવ્યું હતું કે તેને આવશ્યક નિયમો હેઠળ એન્ટીગુઆની નાગરિકતા લીધી છે અને ભારતની છોડી દીધી છે. ખરેખર તો મેહુલ ચોકસીની ભારતીય નાગરિકતા છોડવા પાછળ મુખ્ય કારણ પ્રત્યાર્પણથી બચવાનું છે.
આ મામલે 22 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. પીએમઓ કાર્યાલયે મેહુલ ચોકસીની નાગરિકતા છોડવા મામલે વિદેશ મંત્રાલય તેમજ તપાસ એજન્સી પાસે પ્રગતિ રિપોર્ટ માગ્યો છે. 2017માં મેહુલ ચોકસીએ એન્ટીગુઆની નાગરિકતા લીધી હતી. જો કે જે તે સમયે ભારતે તેના પર કોઇ વિરોધ કર્યો નહોતો.