કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૨૦ શહેરોને નીચલી રેન્કમાં રહેલા ૨૦ શહેરો સાથે જોડ્યા છે અને તેમાં આ શહેરો ‘સહયોગી શહેરો’ તરીકે કામ કરશે.
આંતરિક રેન્કિંગ અનુસાર, અમદાવાદ (પ્રથમ રેન્ક), નાગપુર, રાંચી, ભોપાલ, સૂરત, કાનપુર, ઈન્દોર, વિશાખાપટ્ટનમ, વેલ્લોર, વડોદરા, નાસિક, આગ્રા, વારાણસી, દાવણગેરે, કોટા, પૂણે, ઉદયપુર, દહેરાદૂન અને અમરાવતી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૨૦ શહેરોમાં સામેલ છે.
એક અધિકારીએ કહ્યું હતું કે ૨૦-૨૦ ફોર્મ્યુલા અંતર્ગત રાંચી અને પૂણે ક્રમશ: શિમલા અને ધર્મશાલા સાથે કામ કરશે અને તેમના પર્ફોર્મન્સને સુધારવા માટે તેમની સાથે વિચારો શેર કરશે. મંત્રાલયે આ મામલે એક પરામર્શ જારી કર્યો છે અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૨૦ શહેરો અને નીચલી રેન્ક રહેલા ૨૦ શહેરોને ૨૦ ફેબ્રુઆરી અગાઉ એક સંમતિ પત્ર પર હસ્તાક્ષર કરવા માટે કહ્યું છે.
અધિકારીના અનુસાર, શહેરોની જોડી એ શહેરો સાથે જ બનાવાઈ છે જે એક જેવી પરિસ્થિતિઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે વારાણસી એક ધાર્મિક નગરી છે અને તેને અન્ય ધાર્મિક નગર અમૃતસર સાથે જોડવામાં આવ્યું છે.