31st નજીક છે ત્યારે અમદાવાદીઓ તેની ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા છે. બીજી તરફ લોકોમાં થોડો ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વર્ષના અંતમાં સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઇ રહી છે કે 2000 રૂપિયાની નોટ બંધ થવાની છે. આ વાત ખોટી છે પરંતુ શહેરીજનો આ વાતને ગંભીરતાથી લઇ રહ્યાં છે. કેટલાક પેટ્રોલ પંપથી લઇને દુકાનદારો પણ હવે 2000 રૂપિયાની નોટ લઇ રહ્યાં નથી.
શહેરના પૂર્વ વિસ્તારમાં ખાણી પીણીના ઠેલાવાળા લોકો 2 હજાર રૂપિયાના છુટ્ટા આપવા કે 2000 રૂપિયાની નોટ લેવા પણ તૈયાર ન હતા. પાઉંભાજી પાર્લરના માલિકને જ્યારે 2000 રૂપિયાના છુટ્ટા આપવા કહ્યું તો તેણે કહ્યું કે, 31 ડિસેમ્બર પછી આ નોટ બંધ થવાની છે માટે અમે આ રૂપિયાને નહી સ્વીકારીએ. પાર્લરના માલિકને જ્યારે સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ બધી અફવા છે કોઇ નોટબંધી નથી થવાની તો સામેથી તેને સલાહ આપતા કહ્યું કે, તમે પણ ઝડપથી આ નોટ બેન્કમાં જમા કરાવી દેજો.
ત્યાર બાદ જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કર્મચારીને પેટ્રોલ પુરાવ્યા બાદ 2000 રૂપિયાની નોટ આપવામાં આવી ત્યારે તેને પણ કહ્યું કે, લોકો 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવે છે અને 2000 રૂપિયાના છુટ્ટા કરાવીને લઇ જાય છે. મહત્વપૂર્ણ છે કે મોદી સરકારે 2016માં જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી ત્યારે પણ આવો જ માહોલ જોવા મળતો હતો.