કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેને પગલે 24 માર્ચથી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ફ્લાઈટ, ટ્રેન, મેટ્રો, બસ અને ટેક્સી સહિત ટ્રાન્સપોર્ટની તમામ સુવિધાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. 14 એપ્રિલે લૉકડાઉનની અંતિમ તારીખ છે. જે બાદ શું થશે? તે અંગે અલગ-અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. એવામાં એર ઈન્ડિયાએ ટિકિટ બુકિંગની તારીખને વધુ 16 દિવસો માટે વધારી દેતા અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.
આ અંગે એર ઈન્ડિયાએ જણાવ્યું કે, 30 એપ્રિલ સુધી તમામ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટો માટે ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, 14 એપ્રિલ બાદ સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
બીજી તરફ 14 એપ્રિલ બાદ ટ્રેનો ચાલુ થવાની શક્યતા છે, પરંતુ કોરોના વાઈરસના કારણે ટ્રેનોની ટિકિટનું બુકિંગ પણ 20 ટકાથી વધારે નથી થઈ રહ્યું. આ સ્થિતિમાં આવી સ્થિતિ 30 એપ્રિલ સુધી જોવા મળવાની છે. ભારત સહિત વિશ્વમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા પેસેન્જર ટ્રેનોની સમય મર્યાદા પણ વધવાની પુરી શક્યતા છે.
રેલ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, આગામી 15 એપ્રિલની ઈ-ટિકિટ બુકિંગ અંદાજે 2 લાખ થઈ છે. જે બાદ આગામી 30 એપ્રિલ સુધી આ આંકડો 2 લાખ સુધી નથી પહોંચી શક્યો. 21 અને 22 એપ્રિલ માટે 1,10,000 જેટલી ટિકિટનું બુકિંગ કરવામાં આવ્યું છે.