ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એર ઈન્ડિયામાં 100 ટકા ભાગીદારી વેચવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. સ્વામી ટ્વીટ કરીને જણાવ્યું કે, આ ડીલ સંપૂર્ણ રીતે દેશ વિરોધી છે અને મારે નાછૂટકો કોર્ટમા જવા મજબૂર થવું પડશે. વાસ્તવમાં કેન્દ્રની મોદી સરકારે એર ઈન્ડિયાની 100 ટકા ઈક્વિટી શેરના વેચાણને સૈદ્ધાંતિક રુપે મંજૂરી આપી છે. મોદી સરકારે એર ઈન્ડિયાના વેચાણ માટે બોલીઓ મંગાવી છે. 17 માર્ચ સુધી બોલી લગાવી શકાશે. મોદી સરકાર એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AISATSમાં પણ 100 ટકા ભાગીદારી વેચશે. એરઈન્ડિયાના સંયુક્ત એકમ AISATSમાં તેમની ભાગીદારી 50 ટકા છે.
બિડિંગ પ્રક્રિયામાં સફળ બોલી લગાવનારને 31 માર્ચ સુધીમાં તેની જાણકારી આપવામાં આવશે. જણાવી દઈએ કે, સરકાર પાસે હાલ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા ભાગીદારી છે. 2018માં સરકારે એર ઈન્ડિયામાં 76 ટકા ભાગીદારીનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે તે સમયે વાત આગળ નહતી વધી.
અગાઉ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટના ડ્રાફ્ટને GOMની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ મહિનાના અંત સુધીમાં તેને જાહેર કરવાની વાત મળી રહી હતી. આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, બેઠક સારી રહી છે અને જલ્દી તેના પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ હરદીપસિંહ પુરી એર ઈન્ડિયાના ખાનગીકરણની વાત કહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી એર ઈન્ડિયાનું દેવું વધી રહ્યું છે. આથી તેને ચાલુ રાખવાથી વધારે નુક્સાન થશે.
એર ઈન્ડિયા જંગી દેવાના બોજ હેઠળ દબાઈ ગઈ છે. નાણાંકીય વર્ષ 2018-19માં એર ઈન્ડિયાને 8400 કરોડ રુપિયાનું મોટું નુક્સાન ભોગવવું પડ્યું હતું. છેલ્લા ઘણાં સમયથી એર ઈન્ડિયાને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીને એટલુ જંગી નુક્સાન થયું છે કે, એટલા રુપિયામાં તો એક નવી એરલાઈન્સ શરૂ કરી શકાય છે. હાલ એર ઈન્ડિયા પર 60 હજાર કરોડ રુપિયાનું દેવું છે અને કંપનીનું કુલ નુક્સાન 70 હજાર કરોડ રુપિયાની આસપાસ છે.
જણાવી દઈએ કે, અશ્વિની લોહાની હાલ એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમને એર ઈન્ડિયામાં એ હેતુથી લાવવામાં આવ્યા હતા કે, તેઓ દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને કિનારે લાવશે! જો કે તેઓ નિષ્ફળ નીવડ્યા. 2007 બાદ નાણાંકીય વર્ષ 2017માં પ્રથમ વખત તેમના નેતૃત્વમાં એરલાઈને 105 કરોડ રુપિયાનો નફો કર્યો હતો.