સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસનાં નેતા કપિલ સિબ્બલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, જ્યારે સરકાર પાસે પૈસા ન હોય ત્યારે જ તે આવું કરી શકે છે. તેમણે અર્થવ્યવસ્થા અને મનરેગાનાં બાકી લેણાં માટે પણ સરકારની ટીકા કરી છે.
કપિલ સિબ્બલે કહ્યું, ‘જ્યારે સરકાર પાસે પૈસા નથી, ત્યારે તે આવું કરે છે. ભારત સરકાર પાસે નાણાં નથી, વૃદ્ધિ 5 % કરતા ઓછી છે અને મનરેગામાં લાખો રૂપિયા ચૂકવાયા નથી. આ આવુ જ કરશે, આપણી પાસેની બધી કિંમતી સંપત્તિ વેચી દેશે.’ જણાવી દઇએ કે સરકારે એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો વેચવા માટે બિડ મંગાવ્યા છે. તેની છેલ્લી તારીખ 17 માર્ચ 2020 છે.
આ સાથે, સબ્સિડાયર કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATS માં હિસ્સો વેચવા સરકારે બિડને આમંત્રણ આપ્યું છે. એર ઈન્ડિયાનાં ખાનગીકરણ માટે 7 જાન્યુઆરીનાં રોજ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનેલા એક મંત્રી સમૂહને ખાનગીકરણથી જોડાયેલા પ્રસ્તાનોને મંજૂરી આપી હતી. ગયા વર્ષે 76 ટકા શેર વેચવા માટે બિડ મંગાવવામાં આવી હતી. પરંતુ કોઈ ખરીદદાર મળ્યો નહતો. આવી સ્થિતિમાં સરકારે 100 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે.