હાલમાં સરકાર દ્વારા વેચી દેવાની પ્રક્રિયામાં રહેલી રોકડની કટોકટીમાં સપડાયેલી એર ઇન્ડિયાએ વીવીઆઇપી ચાર્ટર ફ્લાઇટ્સ માટે ~૮૨૨ કરોડથી વધુના બાકી લેણાં નીકળે છે તેમ એક આરટીઆઇના જવાબમાં એર ઇન્ડિયાએ જણાવ્યું છે. કંપનીએ આ ઉપરાંત કંપનીએ વિદેશમાં રાહત કામગીરી અને વિદેશી મહાનુભાવોને ફેરવવા માટે અનુક્રમે ~૯.૬૭ કરોડ અને ~ ૧૨.૬૫ કરોડ પણ લેવાના બાકી નીકળે છે.
૩૦ નવેમ્બર, ૨૦૧૯ સુધીના આ તમામ પૈસા કંપનીએ લેવાના હતા. વીવીઆઇપી ચાર્ટર ફ્લાઇટ્સ હેઠળ એર ઇન્ડિયા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને ફેરવવા માટે વિમાનની સવલત પૂરી પાડે છે. મંત્રાલયો આ બિલોની ચુકવણી કરે છે. એટલું જ નહિ એર ઇન્ડિયા ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ સુધી સરકારી અધિકારીઓ દ્વારા ધિરાણ પર લેવાયેલી ટિકિટો પેટે પણ ~૫૨૬.૧૪ કરોડ લેવાના બાકી નીકળતા હતા તેમ જણાવતાં જવાબમાં કહેવાયું છે કે આમાંથી ~૨૩૬.૧૬ કરોડ ત્રણ વર્ષથી બાકી છે. કંપનીએ એવું પણ કહ્યું છે કે તેણે તેના ખાતામાં ~૨૮૧.૮૨ કરોડને એકાઉન્ટિંગ ચાર્જ તરીકે ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પાંચ ડિસેમ્બર ૨૦૧૯ના રોજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપેલા જવાબમાં જણાવાયું છે કે કંપનીની ચોખ્ખી ખોટ ~૮,૫૫૬.૩૫ કરોડ થઇ છે.