જો ખરીદદાર ના મળ્યો તો દેવામાં ડુબેલી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયા આવતા વર્ષે જૂન સુધી બંધ થઇ શકે છે. કારણ કે અવ્યવસ્થિત રીતે કોઇ કંપનીને લાંબા સમય સુધી ચલાવી શકાતી નથી. એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ આ વાત કહી છે.
વિમાન કંપનીના ભવિષ્યને લઇને અનિશ્ચિતતા વચ્ચે અધિકારીએ કહ્યું કે 12 નાના (નેરો બોડી) વિમાનોનું પરિચાલન ફરી શરૂ કરવા માટે પણ પૈસાની જરૂર છે. વિમાન કંપની પર 60 હજાર કરોડ રૂપિયાનું દેવુ છે અને સરકાર હજુ પણ તેને વેચવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે.
અધિકારીએ કહ્યું કે જો આવતા વર્ષે જૂન સુધી એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર ના મળ્યો તો તેની હાલત પણ જેટ એરવેઝ જેવી થઇ શકે છે, તેમણે કહ્યું કે ખાનગીકરણની યોજના વચ્ચે સરકારના દેવામાં ડુબેલી એર ઇન્ડિયામાં પૈસા લગાવવાનો ઇનકાર કરવાની સાથે હવે કંપનીએ કોઇ રીતે પરિચાલન ચાલુ રાખ્યુ છે, જે લાંબા સમય સુધી સંભવ નથી. સરકાર અનુસાર, નાણાકીય વર્ષ 2011-12થી આ વર્ષે ડિસેમ્બર સુધી સરકાર એર ઇન્ડિયામાં 30,520.21 કરોડ રૂપિયા લગાવી ચુકી છે. 2012માં યુપીએ સરકારની કંપની માટે ટર્નઅરાઉન્ડ યોજના હેઠળ તેને 30 હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા પણ મળી હતી.
1932માં ટાટા એરલાઇન્સથી થઇ હતી શરૂઆત
એર ઇન્ડિયાને સૌથી પહેલા જેઆરડી ટાટાએ 1932માં ટાટા એરલાઇન્સના નામથી લોન્ચ કરી હતી. 1946માં તેનું નામ બદલીને એર ઇન્ડિયા કરવામાં આવ્યુ અને 1953માં સરકારે તેને ટાટા પાસેથી ખરીદી લીધુ હતું. ત્યારથી લઇને વર્ષ 2000 સુધી આ સરકારી એર લાઇન નફામાં ચાલતી હતી. 2001માં સૌથી પહેલા કંપનીને 57 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હતું, ત્યારે વિમાનન મંત્રાલયે તત્કાલીન પ્રબંધ ડિરેક્ટર માઇકલ માસ્કેયરનહાસને દોષી માનતા પદ પરથી હટાવી દીધો હતો.